7મેના રોજ રાજ્યમાં તલાટીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા પૂર્ણ થઈ હતી. પરંતુ તલાટીની પરીક્ષામાં છબરડો થયો હોવાનું સામે આવ્યું છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં 123 જેટલા ઉમેદાવારોના થમ્બ ઈમ્પ્રેશન નથી લેવામાં આવ્યા. પોલિટેક્નિક યુનિટમાં 15 પૈકી 8 બ્લોકમાંથી થી આ ગંભીર ક્ષતિ સામે આવી છે. આ છબરડો સામે આવતા હસમુખ પટેલે આ અંગે પ્રતિક્રિયા આપી છે.
એમ.એસ યુનિવર્સિટીમાં થયો છબરડો!
તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં ગયા રવિવારે પૂર્ણ થઈ હતી. લાખો ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. હસમુખ પટેલના શીરે આ પરીક્ષાની જવાબદારી હતી. નિર્વિધ્ને પરીક્ષા પૂર્ણ થતાં ઉમેદવારોએ તેમજ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે વડોદરાથી તલાટીની પરીક્ષામાં ગંભીર છબરડો થયો હોવાની વિગતો સામે આવી છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીની પોલિટેક્નિક યુનિટમાં 123 ઉમેદવારોના થમ્બ ઈમ્પ્રેશન લેવામાં ન આવ્યા હતા. 15 વર્ગખંડમાંથી 8 વર્ગખંડમાં અંગૂઠાની ઈમ્પ્રેશન લેવામાં આવી ન હતી જ્યારે બાકીના 7 વર્ગખંડમાં ઉમેદવારોના થમ્બ ઈમ્પ્રેશન લેવામાં આવ્યા હતા. આ વાત સામે આવતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર સીસીટીવી ચેક કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. આ ઘટના અંગે આઈપીએસ હસમુખ પટેલે પ્રતિક્રિયા આપી છે.
હસમુખ પટેલે આપ્યા તપાસના આદેશ!
આ મામલે હસમુખ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે પરીક્ષાના બીજા દિવસે આ બનાવની જાણ થઈ હતી. બનાવની સંપૂર્ણ તપાસ માટેના આદેશ આપવામાં આવ્યા છે. બોર્ડ પ્રતિનિધિ સામે કાર્યવાહી કરવામાં આવશે. વડોદરાની ઘટનામાં ગેરરીતિ નહીં પરંતુ બેદકરકારી હોય તેવું લાગે છે. તલાટીની ભરતીનું પરિણામ જૂન મહિનામાં આપવાની યોજના છે.