14 ફેબ્રુઆરીના રોજ ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા બીબીસી એટલે કે બ્રિટિશ બોડ્રકાસ્ટિંગ કોર્પોરેશનની ઓફિસમાં રેડ પાડવામાં આવી હતી. દિલ્હી અને મુબંઈ ખાતે આવેલી ઓફિસમાં આઈટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. અનેક કલાકો વીતી ગયા પરંતુ ઈન્કમ ટેક્સ ની તપાસ હજી પણ યથાવત છે. મળતી માહિતી અનુસાર તપાસ દરમિયાન સ્ટાફના ફોન તેમજ લેપટોપ જપ્ત કરવામાં આવ્યા. ઓફિસમાં તપાસ કરવા પહોંચેલી ટીમના જણાવ્યા અનુસાર ઈન્ટરનેશલન ટેક્સમાં ગેરરીતિઓને લઈ તપાસ કરવામાં આવી રહી છે. લગભગ 19 કલાકથી બીબીસીની ઓફિસમાં આઈટી દ્વારા સર્ચ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે.
ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન યથાવત
આ તપાસ અંગે બીબીસી પ્રેસની એક ટ્વિટ પણ સામે આવી જેમાં કહેવામાં આવ્યું કે આયકર વિભાગ આ સમયે નવી દિલ્હી અને મુંબઈમાં આવેલી બીબીસીની ઓફિસમાં છે અને આ તપાસમાં અમારા દ્વારા પૂર્ણ સહયોગ કરવામાં આવશે. એવું માનવામાં આવી રહ્યું છે આજે એટલે 15 તારીખે પણ આ સર્ચ ઓપરેશન યથાવત રહેશે. મળતી માહિતી અનુસાર આઈટી વિભાગ 2012થી લઈ હજી સુધીના અકાઉન્ટની વિગતો પ્રાપ્ત કરી રહી છે. ઈન્કમ ટેક્સના અધિકારીઓએ ઈન્ટરનેશનલ ટેક્સમાં ગડબડીનો આરોપ લગાવ્યો છે.
રેડ બાબાતે વિપક્ષે કર્યા કેન્દ્ર સરકાર પર પ્રહાર
થોડા સમય પહેલા બીબીસી દ્વારા ગુજરાત હિંસા સાથે જોડાયેલી ડોક્યુમેન્ટરી બનાવામાં આવી હતી. આ ડોક્યુમેન્ટરીને કારણે બીબીસી ચર્ચામાં આવી હતી. સરકાર દ્વારા આ ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જે અંતર્ગત ફિલ્મને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવી હતી. પરંતુ અનેક જગ્યાઓ પર આ ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. બીબીસીની ઓફિસમાં એકાએક તપાસ કરવામાં આવતા વિપક્ષ દ્વારા રેડને ડોક્યુમેન્ટરી સાથે જોડી દેવામાં આવી છે અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.