આજકાલની યુવા પેઢી રસ્તાને પોતાના બાપનો સમજે છે. ઓવરસ્પીડમાં તેમજ લોકોને સ્ટંટ બતાવવાના ચક્કરમાં તેમજ રીલ બનાવાના ચક્કરમાં લોકો પોતાના જીવનને મુશ્કેલીમાં મૂકતા હોય છે પરંતુ બીજાના જીવનને પણ જોખમમાં મૂકી દેતા હોય છે. અમદાવાદમાં થયેલા અકસ્માતમાં 10 લોકોએ પોતાનું જીવન ગુમાવ્યું છે. પરિવારના આંસુઓ સૂકાયા નથી. ત્યારે સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિચો વાયરલ થતા હોય છે જેમાં યુવાનો સ્ટંટ કરતા દેખાય છે.
યુવા પેઢીનું પ્રતિબિંબ છે તથ્ય પટેલ!
તથ્ય પટેલની ઓવરસ્પીડિંગની વાત કરી હતી ત્યારે અમે કહ્યું હતું કે સમાજમાં આવા અનેક તથ્ય પટેલ છે. જે તથ્ય પટેલ પકડાયો છે તે તો માત્ર પ્રતિબિંબ છે. રસ્તા પરથી આપણે જ્યારે પસાર થતાં હોઈએ છીએ ત્યારે પણ આપણે રફ ડ્રાઈવિંગ કરતા નબીરાઓ દેખાતા હોય છે. ન માત્ર ગાડીઓમાં સ્ટંટ કરતા યુવાનો દેખાય છે પરંતુ બાઈકમાં પણ સ્ટંટ કરતા લોકો અચકાતા નથી. ઝુમ ઝુમ કરતા જ્યારે બાઈક નીકળે ત્યારે લોકોનું બેલેન્સ અનેક વખત ડગમગાઈ જતું હોય છે.
સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
સુરતથી એક વીડિયો વાયરલ થયો છે જેમાં બાઈક પર યુવાન સ્ટંટ કરી રહ્યો છે. તથ્ય પટેલની આલોચના જ્યારે દરેક માણસ કરી રહ્યા હતા ત્યારે એક યુવાન તેના સમર્થનમાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં યુવાન સૌને એક પ્રશ્ન પૂછી રહ્યો છે કે તથ્ય પટેલ પાસે પૈસા છે, તેનું નામ છે એટલા માટે બધું તેના પર ઢોળી દેવામાં આવ્યું છે. બ્રિજ પર લાઈટ નથી તેની કોઈ વાત નહીં કરે, આટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં કરીશું રહ્યા હતા. અમે પણ અનેક વખત કહ્યું કે આ કેસમાં માત્ર તથ્ય જ દોષી નથી, પરંતુ તે નિર્દોષ પણ નથી.
આપણે કાયદાનું કરીએ છીએ પાલન!
ઓવરસ્પીડને કારણે અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે જે જીવલેણ સાબિત થતાં હોય છે. આપણી આસપાસ પણ એવા અનેક લોકો હશે જે કાયદાનું પાલન નહીં કરતા હોય. એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે જો કોઈ કાયદાનું પાલન કરતા દેખાય છે તો લોકો તેની મજાક ઉડાવે છે. ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાનો કાયદો છે, ગાડીમાં બ્લેટ લગાવવાનો નિયમ છે. પરંતુ આપણામાંથી કેટલા લોકો આ નિયમોનું પાલન કરીએ છીએ તેનો જવાબ આપણે આપણી અંતરાત્માને આપવાનો છે.