Chhe ne Jordar Vaat by Samir Parmar
જો તમને એવી છૂટ આપવામાં આવે કે તમને પસંદ પડે એ બીજાની પત્નીને ભગાડીને લઈ જાવ તો તમે શું કરો? આજે એ રીત રિવાજની વાત કરવી છે જેમાં પારકાની પત્નીને ભગાડી જવાની પરંપરા ચાલે છે. આ વાંચીને તમે પણ કહેશો... છે ને જોરદાર વાત!
બીજાની ઘરવાળી ભગાડવી અહીં શરમની વાત નથી!
દુનિયામાં ફરીએ અથવા તેના વિશે વાંચીએ તો બધાના રીત રિવાજ અને પરંપરાઓ અળગ અલગ છે. પહેરવેશ, રહેણીકહેણી, ખાવાની રીતભાત બધુ અલગ જોવા મળે. લગ્નની પણ દુનિયાના અનેક ખૂણે અલગ રીત જોવા મળે છે. આપણને એવું કહેવામાં આવે કે બીજાની ઘરવાડીને ભગાડી જાવ તો શરમ લાગશે કે આવું થોડું કરાય. માણસાઈ નામની વસ્તુ છે કે નહીં. પણ જેમ જેમ વિસ્તારો ફરે છે તેમ તેમ માન્યતાઓ પણ ફરે છે. આજે વાત કરવી છે એવી પરંપરાની જ્યાં બીજાની પત્નીને ભગાડી જવું એ શરમની વાત નથી પણ પરંપરા છે. ત્યાં બીજાની પત્નીને ભગાડવામાં આવે છે અને પછી તેની સાથે લગ્ન પણ કરી લેવામાં આવે છે. જો આપણે ત્યાં આવું કરવામાં આવે તો પોલીસ સ્ટેશનના ધક્કા તો જીવન ભર રહે છે પણ સમાજના લોકો ધીબી નાખે એ અલગ. પણ આપણે જ્યાંની પરંપરાની વાત કરવાના છીએ ત્યાં કોઈની ઘરવાળી ભગાડવાનો ન તો કોઈ દંડ લાગે છે ન તો બીજુ કંઈ કરવામાં આવે છે.
બીજાની પત્ની ભગાડો પણ પતિને ખબર ન પડવી જોઈએ
આ વાત છે પશ્ચિમ આફ્રિકાની એક જનજાતિની જ્યાં લોકોને લગ્ન કરવા માટે કોઈની પત્નીની ચોરી કરવી પડે છે. પશ્ચિમ આફ્રિકાની વોદેબ્બો જનજાતિમાં આ પરંપરા છે. વોદેબ્બો જનજાતિમાં કોઈની પત્ની સાથે ભાગીને લગ્ન કરવા તે તેમની પરંપરાનો ભાગ છે. વોદેબ્બો લોકો બીજા લોકોની પત્નીની ચોરી કરે છે અને પછી ધામધૂમથી લગ્ન કરીને તે યુવતીને પત્ની બનાવે છે. પોતાને સંસ્કારી કહેતા સમાજને વાંચીને આઘાત લાગી શકે છે પણ એ સાચું છે કે આવું થાય તો જે પતિની ઘરવાળી ભાગી જાય છે અને કોઈ સાથે લગ્ન કરે છે તે પતિને આ ઘટનાથી કોઈ વાંધો હોતો નથી. તે વ્યક્તિને ફરી બીજા લગ્ન કરવા હોય તો તેને બીજા કોઈ વ્યક્તિની પત્નીની ચોરી કરવી પડે છે. અધૂરામાં પૂરું જો તે કોઈની પત્નીની ચોરી નથી કરતો તો તેને બીજા લગ્ન કરવાનો અધિકાર જ નથી મળતો. તેને લગ્ન કરેલા વાંઢા થઈને રહેવું પડે છે. કારણ કે તેની પત્ની તો બીજા કોઈ વ્યક્તિ સાથે જતી રહી હોય છે. આ રીત રિવાજ માટે વોદેબ્બો જનજાતિમાં દર વર્ષે એક ખાસ કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. જ્યાં તે કોઈની પણ પત્નીને ભગાડીને તેની સાથે લગ્ન કરી શકે છે.
બીજાની પત્નીને ભગાડ્યા ગયા પછી સમાજ જ કરાવે છે યુવકના લગ્ન
આ કાર્યક્રમમાં યુવાનો કે પુરુષો પોતાને પારંપરિક રીતે તૈયાર કરે છે. મોઢા પર કલર કરે છે અને સુંદર દેખાવાના બને એટલા પ્રયત્ન કરે છે. કરે જ ને બીજાની ઘરવાડીને જો પોતાની ઘરવાળી બનાવવી છે. તે લોકો ખાલી તૈયાર થઈને જ બીજાની પત્નીને પોતાની તરફ આકર્ષિત નથી કરતા. આ લોકોને હજુ કંઈક પણ કરવું પડે છે જે છે તેમનું પારંપરિક નૃત્ય. વોદેબ્બો લોકો મહિલાઓ સામે મન મૂકીને નાચે છે અને છોકરીઓને આકર્ષવા માટે પ્રયાસ કરે છે. આમાં પણ અજીબ વાત એ છે કે નાચનાર યુવકને ધ્યાન રાખવું પડતું હોય છે જેની પત્નીને તે ઉઠાવી જવાનો છે કે ચોરી કરવાનો છે તેના પતિને જાણ ન થવી જોઈએ કે તે તેની પત્નીને આકર્ષી રહ્યો છે. આ બધુ થયા પછી જો યુવાન અને છોકરીનું મન મળે છે અને છોકરીને યુવાન પસંદ પડી જાય છે તો તે વોદોબ્બો પુરુષ સાથે ભાગી જાય છે. ભાગીને તે લગ્ન નથી કરતા. અહીં એવું થાય છે કે વોદેબ્બો લોકો એ ભાગેલા જોડાને પકડે છે અને પછી તેમની ધોલાઈ કરે છે. નાના મજાક કરું છું. ધોલાઈ નથી કરતા પણ તેમના ધામધૂમથી લગ્ન કરે છે.
પોતાને સભ્ય સમાજ કહેતા લોકો માટે ગંભીર સંદેશ
વોદેબ્બો જનજાતિની વાત કરીએ તો 2001ની જનજાતિ મુજબ તેમની જનસંખ્યા 1 લાખની જનસંખ્યા હતી. વોદેબ્બો નાઈઝર, કેમરોન, મધ્ય આફ્રિકા, ચેડ, નાઈઝીરિયા અને કોંગો વિસ્તારમાં રહે છે. તે લોકોની ભાષા ફુલા હોય છે. ધર્મની વાત કરીએ તો વોદેબ્બો જનજાતિ સુન્ની હોય છે જે ઈસ્લામ અંદર આવે છે. હવે થોડી ગંભીર વાત પર પણ આવીએ. આપણને એવું લાગે કે આ લોકો તો કેવું કરે છે. બીજાની પત્નીને થોડી ઉઠાવી જવાય. પણ સભ્ય સમાજને એ પણ સમજવું જોઈએ કે જગ્યાએ જગ્યાએ માન્યતા બદલાય છે. ક્યાંક એવું માનવામાં આવે છે કે બિલાડી રસ્તો કાપે તો સારી વાત. કોઈ બિલાડી રસ્તો કાપે તો ખરાબ વાત માને છે. બધે અલગ અલગ પરિસ્થિતિ હોય છે અને એ આપણે સમજવું પણ જોઈએ. આપણે પહેલા આવા જ હતા. પછી ઉત્ક્રાંતિ થઈ, માનવ સભ્યતા વિકસી, દેશ બન્યા, વિસ્તારો માટે યુદ્ધ થયા, દુનિયામાં ધર્મ જેવી સુંદર વસ્તુ આવી, પણ એવું નથી કે બધાની સભ્યતા વિકસી. અમુક લોકોએ પોતાની પરંપરાને જોડાઈને રહેવું પસંદ કર્યું અને અમુક આગળ વધ્યા. બધાની પોતાની પસંદ છે. પોતાની સભ્યતા અને પરંપરાને વળગી રહેવું કે સમય સાથે આગળ વધવું. તે લોકો આગળ નથી વધ્યા તો સભ્ય સમાજને એવું ના માની લેવું જોઈએ કે આ તો ખરાબ છે વગેરે વગેરે. આપણે જેમ લગ્ન મહિલા અને પુરુષના એક સમયે લગ્ન થવા સામાન્ય ઘટના છે તેમ વોદેબ્બોમાં કોઈની પત્ની ભગાડવી સામાન્ય ઘટના છે.