આવતી કાલથી સંસદમાં શિયાળા સત્રનો પ્રારંભ થવાનો છે. સત્રની શરૂઆત થાય તે પહેલા સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. જેમાં અનેક રાજકીય પક્ષોના સાંસદ સામેલ થવાના છે. આ બેઠકમાં સંસદમાં કાર્યવાહી સારી રીતે સંપન્ન થાય ઉપરાંત મહત્વની વાતો પર ચર્ચા થાય તે માટે બોલાવામાં આવી છે.
વડાપ્રધાન મોદી પણ લઈ શકે છે ભાગ
7 ડિસેમ્બરથી શરૂ થતા શિયાળું સત્ર 29 ડિસેમ્બર સુધી ચાલવાનું છે. શિયાળા સત્રમાં 17 બેઠક થવાની છે. થોડા દિવસો પહેલા જ સત્રમાં પેશ થનાર 16 વિધેયકોની જાહેરાત કરી દીધી છે. આ બેઠક માટે લોકસભા તેમજ રાજ્યસભાના સાંસદને આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉપરાંત એવું પણ માનવામાં આવી રહ્યું છે આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગ લઈ શકે છે. પરંપરા મુજબ સર્વદળીય બેઠક બોલાવામાં આવે છે પરંતુ આ વખતે કાર્ય મંત્રણા બેઠક બોલાવામાં આવી છે.
કોંગ્રેસે શનિવારે પાર્ટીની બોલાવી હતી બેઠક
આ બેઠક સંસદમાં જે મુદ્દાઓ પર ચર્ચા થવાની છે તે અંગે કરવામાં આવી રહી છે. સંભવિત વિધેયકો ઉપર મંત્રણા કરવામાં આવશે. મંત્રણા માટે લોકસભા તેમજ રાજ્યસભાના સાંસદોને આમંત્રણ આપવામાં આવી ગયું છે. સંસદમાં શિયાળું સત્ર શરૂ થાય તે પહેલા કોંગ્રેસે સોનિયા ગાંધી તેમજ મલ્લિકાર્જુન ખડગેની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસદમાં સરકારને કયા મુદ્દા પર ઘેરવા તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.