રાજ્યમાં ડિસેમ્બર મહિનો શરૂ થતાં જ ફુલગુલાબી ઠંડીની અનુભૂતી થઈ રહી છે. શિયાળાની શરૂઆતમાં જ કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદે કહેર વરસાવ્યા બાદ કાતિલ ઠંડીનો પ્રારંભ થઈ ગયો છે. રાજ્યમાં વહેલી સવારથી જ હાંડથિજાવતી ઠંડી અને ધુમ્મસ જોવા મળી રહ્યું છે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આકાશમાં વાદળો ઓછા થતાં ઠંડીનું જોર ઘટ્યું છે. જો કે હવે ધીમે-ધીમે કાતિલ ઠંડી અનુભવાશે.
ઠંડીનો પારો ગગડશે
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી 24 કલાક દરમ્યાન ઠંડીનો પારો થોડા ઘણા અંશે ઘટી શકે છે.શિયાળાની શરૂઆત સાથે જ ઠંડીનું જોર ધીમે ધીમે વધી રહ્યું છે. પરંતુ હાલ આકાશમાં વાદળો ઓછા થતાં ઠંડીનું જોર ઘટયું છે અને વહેલી સવારે અને રાત્રે દરમ્યાન ઠંડી વધી છે પરંતુ આવનારા સમયમાં તાપમાનમાં કોઈ ફેરફાર જોવા નહિ મળે. ડિસેમ્બરના અંત સુધી ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. જ્યારે હાલ ઠંડીનું પ્રમાણ સામાન્ય છે અને આવનારા દિવસોમાં ઠંડીનો પારો વધુ નહિ ગગડે. જોકે રાજ્યમાં હાલ કેટલાક જિલ્લાઓને બાદ કરતાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ઠંડી પણ હાલ યથાવત રહેશે.
11 રાજ્યોમાં માવઠાની આગાહી
દેશના હવામાન વિભાગે ઓછામાં ઓછા 11 જેટલા રાજ્યોમાં માવઠાને લઈને આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ભારતમાં 16-17 ડિસેમ્બર 2 દિવસો સુધી ભારે વરસાદ થશે. એટલું જ નહીં પ.બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેંડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અસમ અને મેઘાલયમાં 13 ડિસેમ્બરનાં રોજ ભારે વરસાદ વરસશે. અરુણાચલ પ્રદેશમાં કરા પડવાની સંભાવના છે. સાથે જ 15-17 ડિસેમ્બરની વચ્ચે તમિલનાડુ, કેરળ, માહેમાં મધ્યમ વરસાદ આવી શકે છે. જો કે સાઉથ તમિલનાડુમાં 16-17 ડિસેમ્બર અને કેરળમાં 17 ડિસેમ્બરનાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.