હાલ સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સંસદમાં દેશના વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચાઓ કરવામાં આવતી હોય છે. પરંતુ હાલ ચાલી રહેલા ચોમાસા સત્રમાં મણિપુરને લઈ હોબાળો થઈ રહ્યો છે. સંસદની કાર્યવાહી દરમિયાન અનેક વખત હોબાળો થતાં સત્રને સ્થગિત કરવામાં આવ્યું છે. સંસદમાં મણિપુર હિંસા અંગે ચર્ચા કરવામાં આવે તેવી વિપક્ષોની માગ છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંસદની બહાર તેઓ ધરણા કરી રહ્યા છે. સંસદની શરૂઆત જ્યારથી થઈ છે ત્યારથી સત્ર હંગામેદાર રહ્યો છે.
સંસદમાં અનેક વખત મણિપુરનો મુદ્દો ઉઠતા થયો હંગામો
મણિપુર અંગે પીએમ મોદી તેમજ કેન્દ્ર સરકાર દ્વારા કોઈ એક્શન લેવામાં આવે તેવી માગ વિપક્ષો દ્વારા કરવામાં આવી રહી છે. મણિપુરમાં ભડકેલી હિંસાને અનેક મહિનાઓ વીતી ગયા પરંતુ આ વિશે નથી તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોઈ પ્રતિક્રિયા આપી, નથી તો કોઈ કેન્દ્રીય મંત્રીએ પ્રતિક્રિયા આપી. મણિપુરમાં ભડકેલી હિંસા શાંત કરવા કોઈ પગલા લેવામાં આવે તેવી માગ વિપક્ષી પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે સંસદમાં પણ મણિપુરની ચર્ચા શરૂ થતાં જ હોબાળો થઈ જાય છે જેને લઈ કાર્યવાહી સ્થગિત થઈ જતી હોય છે. મણિપુર મુદ્દાને લઈ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતની પાર્ટી આક્રામક દેખાઈ રહી છે. પીએમ મોદીની ચૂપી પર પ્રશ્ન ઉઠાવે છે. સંસદમાં અમિત શાહે કહ્યું કે મણિપુરની સ્થિતિ અંગે ચર્ચા કરવા તૈયાર છે પરંતુ વિપક્ષ ચર્ચા માટે તૈયાર નથી. મહત્વનું છે કે જ્યારે મહિલાનો વીડિયો સામે આવ્યો હતો તે બાદ ચોમાસું સત્ર શરૂ થાય તે પહેલા પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી હતી અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી જોઈએ તેવી વાત કરી હતી.
આપ સાંસદ સંજયસિંહ સંસદ બહાર કરી રહ્યા છે ધરણા
સંસદના સત્રમાંથી આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંસદની બહાર સાંસદ ધરણા કરી રહ્યા છે. મણિપુરને લઈ તેમના દ્વારા કહેવામાં આવેલી વાત હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તે ઉપરાંત કોંગ્રેસ પણ મણિપુરના મુદ્દે આક્રામક દેખાઈ રહી છે.
કોંગ્રેસે પીએમ મોદીની ચૂપી પર કર્યો કટાક્ષ
પીએમ મોદી ટેલિપ્રોમ્ટરમાંથી જોઈને બોલે છે તેવી ચર્ચાઓ તેવા આક્ષેપો લાગતા રહે છે. ત્યારે પીએમ મોદીના ચૂપી પર કોંગ્રેસે કટાક્ષ કર્યો છે. કોંગ્રેસ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે પીએમ મોદી જ્યાં પણ જાય છે ત્યાં ટેલીપ્રોમ્ટર જોઈને બોલે છે. સંસદમાં આ સુવિધા ઉપલબ્ધ નથી કદાચ આ જ કારણોસર પીએમ મોદી સંસદમાં નથી બોલી રહ્યા. પીએમ મોદી જો ઈચ્છે તો સંસદમાં ટેલિપ્રોમ્ટર લગાવડાઈ દો, પરંતુ સંસદમાં મણિપુર અંગે કંઈક બોલો.