કોરોના મહામારીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. ત્યારે દેશ પર H3N2 વાયરસનો ખતરો વધતો જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. H3N2 વાયરસ ખતરનાક સાબિત થઈ રહ્યો છે. આ વાયરસને કારણે અત્યાર સુધી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં આરોગ્ય મંત્રાલયના સૂત્રોના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે હરિયાણા અને કર્ણાટકમાં આ વાયરસને કારણે એક એક મોત થયા છે. એક તરફ કોરોના કેસમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ H3N2 વાયરસના કેસ પણ વધી રહ્યા છે.
દેશમાં વધી રહ્યા છે H3N2ના કેસ
દેશમાં H3N2 વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. અનેક લોકો આ વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. કોરોનાની જેમ આ વાયરસ પણ આવનાર સમયમાં હાહાકાર મચાવી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ વાયરસના લક્ષણોની વાત કરીએ તો દર્દીને ઉધરસ-ખાંસી હોવી, ઘણા દિવસોથી તાવ ન ઉતરવો, ઉપરાંત શરીરમાં દુખાવો થવો તે આના લક્ષણો છે. થોડા દિવસો પહેલા એઈમ્સના પૂર્વ ડાયરેક્ટરે પણ આ વાયરસને લઈ સાવચેત રહેવા જણાવ્યું હતું. માસ્ક પહેરવું, વારંવાર હાથ ધોવા સહિતની વાતો પર ધ્યાન આપવા કહ્યું હતું.
કોરોના જેટલો ઘાતક સાબિત થશે H3N2 વાયરસ!
છેલ્લા એક-બે મહિનાથી દિલ્હી સહિત ભારતના અનેક રાજ્યોમાં ઈન્ફલ્યુએન્ઝાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં H3N2ના 90 કેસ નોંધાયા છે. કોરોના બાદ આ વાયરસના વધતા કેસોને લઈ લોકોની ચિંતા પણ વધી છે. લોકો ભયભીત બન્યા છે. સુરતમાં પણ એક મહિલાનું મોત થયું છે. એવું માનવામાં આવે છે કે આ મહિલાનું મોત H3N2 વાયરસને કારણે થયું છે. સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે મહિલાનું મોત કયા સ્ટ્રેનને કારણે થયું છે.