2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપ પોતાની રીતે ચૂંટણીને લઈ રણનીતિ ઘડી રહી છે તો વિપક્ષ પણ રણનીતિ પર કામ કરી રહી છે. 2024માં ભાજપને હરાવવા માટે 28 જેટલી પાર્ટીઓ એક સાથે આવી છે. INDIA ગઠબંધન તેમને નામ આપવામાં આવ્યું છે. આ ગઠબંધનની ત્રીજી બેઠક મહારાષ્ટ ખાતે મળી રહી છે. આજે મીટિંગનો બીજો દિવસ છે. અનેક વિષયો પર ચર્ચા થવાની છે. ત્યારે આજે જે બેઠક મળી છે તેમાં કયા ચિન્હ અંતર્ગત લૂંટણી લડવામાં આવશે એટલે કે લોગોને લોન્ચ કરવામાં આવશે અને કન્વીનર કોણ હશે તેની જાહેરાત કરવામાં આવશે.
બેઠકને લઈ અલગ અલગ નેતાઓએ આપી પ્રતિક્રિયા
મુંબઈના ગ્રાન્ડ હયાત ખાતે I.N.D.I.A.ની ત્રીજી બેઠક ગઈકાલથી શરૂ થઈ ગઈ છે. જેમાં ગઠબંધનના આગેવાનોએ કહ્યું કે સંવિધાનને બચાવવા માટે ભેગા થયા છીએ. ભાજપનો સામનો કરવા માટે એક કાર્યક્રમ તૈયાર કરવામાં આવશે. બેઠકનો આજે બીજો દિવસ છે. આ બેઠકમાં 28 પક્ષોના નેતાઓએ હાજરી પણ આપી છે પણ આ બધાની વચ્ચે નેતાઓએ જે પ્રતિક્રિયાઓ આપી છે એ સમજવા જેવી છે. ક્યાંક લાલુપ્રસાદ યાદવ કહે છે દેશના બંધારણ અને લોકશાહીને બચાવવી પડશે. ગરીબી, બેરોજગારી અને ખેડૂતોના કલ્યાણના મુદ્દે મોદી સરકાર નિષ્ફળ રહી છે તો ક્યાંક રાઘવ ચઢ્ઢા કહે છે ભાજપને I.N.D.I.A. ગઠબંધનથી ડર છે. અલગ અલગ નેતાઓએ બેઠકને લઈ પોતાની પ્રતિક્રિયા આપી છે.
આજે જાહેર થઈ શકે છે લોગો અને ગઠબંધનના કન્વીનરનું નામ
બીજા દિવસે થઈ રહેલી બેઠકમાં ભાગ લેવા રાજનેતાઓ ભેગા થઈ ગયા છે. હોટેલ ગ્રાન્ડ હયાતમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બપોર સુધીમાં ગઠબંધનનો લોગો અને કન્વીનરનું નામ જાહેર થઈ શકે છે. એવી માહિતી સામે આવી છે તે લોગોમાં ત્રિરંગો હોઈ શકે છે. I.N.D.I.Aમાં IN કેસરી રંગનો, D સફેદ રંગનો અને IA લીલા રંગનો હોઈ શકે છે. મંજૂરી બાદ આજે લોગો જાહેર કરવામાં આવશે. 31 ઓગસ્ટે મળેલી બેઠકમાં 28 પક્ષોના નેતાઓએ હાજરી આપી હતી. હવે જોવું રહ્યું કે કન્વીનર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવે છે. અને આગામી સમયમાં પ્રધાનમંત્રી પદનો કોણ દાવેદાર હશે તે પણ એક સસ્પેન્સ છે.