આજે ચૈત્ર નવરાત્રીનો ત્રીજો દિવસ છે. નવરાત્રીના નવ દિવસો દરમિયાન નવ દુર્ગાના અલગ અલગ રૂપોનું પૂજન કરવામાં આવે છે. ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની આરાધના કરવામાં આવે છે. નવદુર્ગાનું ત્રીજુ સ્વરૂપ એટલે માતા ચંદ્રઘંટા.. માતા ચંદ્રઘંટા માથા પર ચંદ્ર ધારણ કરે છે માટે તેમને ચંદ્રઘંટા તરીકે ઓળખવામાં આવે છે. ચંદ્રઘંટા માતાજીની આરાધના કરવાથી સાધક સાહસિક અને નિર્ભય બને છે. ભક્તમાં સાહસ વધે છે..

કેવું છે માતા ચંદ્રઘંટાનું રૂપ?
નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે, બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે ત્યારે ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની આરાધના કરવામાં આવે છે. માતા ચંદ્રઘંટાના સ્વરૂપની વાત કરીએ તો માતાજીની દસ ભૂજાઓ છે. દસ ભૂજામાં દેવી કમળ, ધનુષ-બાણ, કમંડળ, તલવાર, ત્રિશુળ, ગદા જેવા વિવિધ અસ્ત્ર-શસ્ત્ર ધારણ કરે છે. સિંહની સવારી માતા કરે છે. એવું માનવામાં આવે છે કે દૈત્યનો સંહાર કરવા માતાજીએ આ સ્વરૂપ ધારણ કર્યું છે. દેવીના આ સ્વરૂપની આરાધના કરવાથી સાધકના તમામ કષ્ટો દુર થાય છે.
કયા મંત્રથી કરવી માતાજીની આરાધના?
નવરાત્રીના નવ દિવસો દરમિયાન માતાજીને અલગ અલગ નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. ત્રીજા દિવસે દૂધ અર્પણ કરવાથી માતાજીની વિશેષ કૃપા મળે છે તેવી માન્યતાઓ છે. દુધ અર્પણ કરવાથી ધન, વૈભવ તેમજ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે... દરેક માતાજીની પૂજા કરવા માટે વિશેષ મંત્ર હોય છે. માતા ચંદ્રઘંટાની આરાધના કરવા માટેનો આ છે મંત્ર - “ऊं देवी चन्द्रघण्टायै नमः.. જો શક્ય હોય તો નવરાત્રીના દિવસો દરમિયાન ચંડીપાઠનું પઠન કરવાથી માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
(નોંધ - અહીંયા આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ પર આધારીત છે)