રખડતા પશુઓ તેમજ કૂતરાનો આતંક સમગ્ર રાજ્યમાં વધી રહ્યો છે. પશુઓ તેમજ કૂતરાઓને કારણે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોય છે. ત્યારે નાના બાળકો કૂતરાનો શિકાર બની રહ્યા છે. થોડા સમય પહેલા સુરતમાં રખડતા શ્વાનને કારણે બાળકીનું મોત થયું હતું. જેને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. ત્યારે રાજકોટમાં પણ રખડતા પશુનો આતંક જોવા મળ્યો હતો. રાજકોટ જિલ્લાના સાપર વેરાવળ ખાતે આ હુમલો થયો હોવાની ઘટના બની છે. શુક્રવારની રાત્રે 8 વાગ્યાની આસપાસ અઢી વર્ષનો બાળક રમી રહ્યો હતો ત્યારે શ્વાને તેને બચકા ભર્યા હતા. હાલ બાળકની સારવાર ચાલી રહી છે.
સારવાર અર્થે બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
રાજ્યમાં સતત કૂતરાઓનો આતંક સતત વધી રહ્યો છે. માસુમ બાળકો રખડતા શ્વાનનો ભોગ બની રહ્યા છે. થોડા સમય પહેલા બાળકીનો જીવ રખડતા શ્વાનના હુમલાને કારણે ગયો હતો ત્યારે રાજકોટમાં પણ રખડતાં શ્વાનનો આતંક જોવા મળ્યો છે. ઘરની બહાર રસ્તા પર રમી રહેલા અઢી વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો અને તેને બચકા ભરી લીધા. બાળકને શ્વાને અનેક બચકા ભર્યા છે, પગ પાસેથી લોહી વહી રહ્યું હતું જેથી તાત્કાલિક સારવાર મળે તે માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
શ્વાનના હુમલાની ઘટના સતત વધતા લોકોમાં ડર
મળતી માહિતી અનુસાર આ ઘટના શુક્રવાર રાત્રે બની છે. શીતળા માતાના મંદિર પાસે બાળક રમવા ગયો હતો ત્યારે તેની પર શ્વાને હુમલો કરી દીધો હતો. સ્થાનિકોએ મહામેહનતે બાળકને કૂતરાથી બચાવ્યો. આ ઘટનાને લઈ બાળકની માતાએ જણાવ્યું કે સામાન્ય રીતે તેમનું બાળક પોતાના મિત્રો સાથે રમવા જતો હોય છે પરંતુ ગઈ કાલે તે એકલો રમવા ગયો હતો અને ત્યારે તે શ્વાનના હુમલાનો ભોગ બન્યો હતો. બાળક પર હુમલો થયો ત્યારે તેઓ કપડા ધોઈ રહ્યા હતા. આસપાસના લોકોએ જાણ કરી કે તમારા બાળકને શ્વાને બચકા ભર્યા છે. ત્યારે તેમનું ધ્યાન બાળક તરફ ગયું હતું. રખડતાં પશુઓ અને શ્વાનનો આતંક ઘટાવવા કરોડો રુપિયાનો ખર્ચો કરવામાં આવે છે પરંતુ શ્વાનના આતંક સતત વધી રહ્યો છે. શ્વાનના હુમલા વધવાને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે.