ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ અમદાવાદમાં રખડતા ઢોર પર નિયંત્રણ લાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પશુપાલકોને અનેક વખત નોટિસ આપવામાં આવી છે, રખડતા ઢોર મુદ્દે તંત્ર જાગ્યું છે અને કાર્યવાહી કરી રહ્યું છે. રખડતા ઢોરનો આતંક હતો જ પરંતુ હવે રખડતા શ્વાનનો આતંક પણ જોવા મળી રહ્યો છે. ત્યારે રખડતા શ્વાનનો આતંક રાજકોટથી સામે આવ્યો છે જે સાંભળીને રૂંવાડા ઉભા થઈ જશે. રખડતા ઢોર તેમજ શ્વાન અંગે પગલા લેવામાં આવે તે માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી પરંતુ અનેક ફરિયાદોની વચ્ચે મોડી સાંજે એક ઘટના બની જેને કારણે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જંગલેશ્વર વિસ્તારમાં રખડતા શ્વાનના ટોળાએ પાંચ વર્ષની બાળાને ફાડી ખાધી.. આ ઘટના બાદ આરએમસી દ્વારા રખડતા શ્વાનને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે.
બહાર નીકળતા પણ ડરે છે લોકો!
વિકસીત રાજ્યોની વાત જ્યારે કરવામાં આવે છે ત્યારે ગુજરાતનું નામ લેવામાં આવતું હોય છે. આપણા રાજ્યને વિકસીત રાજ્ય કહેતા અનેક વખત લોકોને સાંભળ્યા હશે. પરંતુ એ જ વિકસીત રાજ્ય ગણાતા ગુજરાતમાં રખડતા ઢોર તેમજ શ્વાનનો આતંક વધી રહ્યો છે. રખડતા ઢોર તેમજ શ્વાનની અડફેટે આવતા અનેક લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે એ પણ ગંભીર રીતે. એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે આપણે ઘરની બહાર નીકળીએ છીએ ત્યારે આપણને પણ ડર સતાવતો હોય છે કે કોઈ રખડતા શ્વાન કે ઢોર આપણી પર હુમલો કરી દેશે તો? મોટા માણસો પોતાના માટે તો ડર હોય પરંતુ હવે તો નાના બાળકોને લઈ ડર વ્યાપી ઉઠી રહ્યો છે.
પાંચ વર્ષની બાળકી પર 10 જેટલા શ્વાને કર્યો હુમલો
અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં નાના-માસુમ બાળક પર રખડતા શ્વાન અથવા તો રખડતા ઢોર હુમલો કરે છે અને તેને મોતને ઘાટ ઉતારે છે. રખડતા શ્વાનનો ત્રાસ એ હદે વધી ગયો છે કે બહાર નીકળતી પહેલા લોકોને ડર સતાવી રહ્યો છે. આ વાત અમે રાજકોટથી સામે આવેલી ઘટનાને લઈ કરી રહ્યા છીએ. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રખડતા શ્વાનોના ટોળાએ માત્ર પાંચ વર્ષની બાળાને ફાડી નાખી હતી. આ અંગે મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તરપ્રદેશના કલીમભાઈ સૈયદ જંગલેશ્વરના ખ્વાઝાચોક નજીક મફયીતાપરામાં રહે છે. સાંજના સમયે તેમની પાંચ વર્ષની દીકરી ચાલતી ચાલતી નજીકમાં રહેતા પોતાની માસીના ઘરે જવા નીકળે છે. એ વિસ્તારમાં રખડતા શ્વાનોએ બાળકી પર હુમલો કર્યો. એ ટોળામાં 10 જેટલા શ્વાન હતા તેવી માહિતી સામે આવી છે. શ્વાનના ટોળાએ અચાનક તેની પર હુમલો કર્યો અને તેના શરીર પર બટકા ભરી દીધા.
ક્યારે મળશે રખડતા ઢોર તેમજ શ્વાનના આતંકથી મુક્તિ?
મહત્વનું છે કે રખડતા શ્વાન તેમજ રખડતા ઢોરના આતંકને લઈ અનેક વખત તંત્રને લેખિતમાં રજૂઆત કરવામાં આવી. રખડતા ઢોર તેમજ શ્વાનના હુમલાનો ડર સ્થાનિકોમાં ફેલાઈ રહ્યો છે. રખડતા શ્વાનને ખસેડવાની વાતો અનેક, અનેક વખત દાવા કરવામાં આવે છે પરંતુ વાસ્તવિક્તા કંઈક અલગ છે. રસ્તા પર અનેક વખત શ્વાન હુમલો કરી દેતો હોય છે અથવા તો શ્વાન અચાનક સામે આઈ જવાને કારણે અકસ્માત સર્જાતો હોય છે. ત્યારે રખડતા શ્વાન તેમજ ઢોરથી મુક્તિ ક્યારે મળશે તે એક પ્રશ્ન છે