રાજ્યમાં રખડતા ઢોરનો આતંક સતત વધતો જોવા મળી રહ્યો છે. રખડતાં પશુના આતંકથી લોકોને છુટકારો મળે તે માટે ઢોર પકડવાની કામગીરી ચાલી રહી છે. ગુજરાત હાઈકોર્ટે અનેક વખત આ મામલે તંત્રની ઝાટકણી કાઢી છે, અનેક વખત ઢોર પકડવાની કામગીરી પણ કરવામાં આવે છે પરંતુ અંતે પરિસ્થિતિમાં કોઈ સુધાર આવતો નથી. રસ્તા પર લોકોને રખડતા પશુના આતંકનો સામનો કરવો પડે છે. ત્યારે રાજકોટમાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે. ગાયની અડફેટે આવી જતા એક વૃદ્ધાનું મોત થઈ ગયું છે.
એક તરફ ખરાબ રસ્તાઓ અને બીજી તરફ રખડતા ઢોરનો ત્રાસ
રસ્તા પર લોકોને પડતી મુશ્કેલીનો અંત ખબર નહીં ક્યારે આવશે? એક તરફ ખરાબ રોડને કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે તો બીજી તરફ રખડતા પશુઓને કારણે રાહદારીઓની તેમજ વાહનચાલકોની મુશ્કેલી વધતી હોય છે. રસ્તા પર શાંત લાગતા રખડતા પશુ ગમે ત્યારે હિંસક બની જાય છે અને હુમલો કરી દેતા હોય છે. અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં પશુના હુમલાનો ભોગ માણસે બનવું પડતું હોય છે. અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે તો કોઈ દુનિયાને અલવિદા કહી દે છે.
દાદી બન્યા રખડતા ઢોરના હુમલાનો શિકાર!
ત્યારે રાજકોટથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં રખડતા પશુએ એક દાદી માંને અડફેટે લીધા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર કોઠારીયા ગામના હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર્સમાં રહેતા ગોદાવરીબેન સવારે શિવાલય દર્શન કરવા ગયા હતા. તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે રખડતા ઢોરે તેમના પર હુમલો કર્યો હતો. મહત્વનું છે થોડા દિવસ પહેલા રાજકોટથી આવો કિસ્સો સામે આવ્યો હતો. પ્રશ્ન એ થાય કે ક્યાં સુધી નિર્દોષ લોકો આવા હુમલાનો ભોગ બનતા રહેશે?