આદિવાસી વિદ્યાર્થીઓના ઉત્થાન માટેની આશ્રમશાળાના શિક્ષકોનું થાય છે શોષણ! જાણો વિગતવાર આક્ષેપો વિશે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-02 14:09:47

જમાવટના દર્શકો અમને અનેક એવા વિષયો પર પત્ર લખીને ધ્યાન દોરે છે જેથી અમને પણ ખબર પડે છે કે ગુજરાતમાં એવા અનેક મુદ્દાઓ છે જેની પર ચર્ચા થવી જોઈએ. હમણા અમારી પાસે એક પત્ર આવ્યો છે કે ગુજરાતમાં આશ્રમ શાળા ચાલે છે તેમાં કામ કરતા કર્મચારી સાથે કેવું શોષણ કરવામાં આવે છે અને કેવી રીતે સરકારનું ધ્યાન ન પડે એવી રીતે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, ભોજન બિલમાં કેવી રીતે તોડ થાય છે, ટેક્સ વગરના બિલો મૂકીને નાણા સંચાલક વાઉચર પર ગ્રાન્ટના નાણાને બેફામ રીતે સગેવગે કરવામાં આવે છે. આશ્રમ શાળા  કેવી રીતે સરકારના ઠરાવોને જ નજરઅંદાજ કરી રહી છે.


બાળકોને સાચવવાનું મળે છે 30 રુપિયા મહેનતાણું!

આમ તો સાર્વત્રિક આશ્રમ શાળામાં તકલીફો ચાલી રહી છે પણ અમારી પાસે દાહોદ, પંચમહાલ વિસ્તારમાંથી ફરિયાદનું લાંબુ લિસ્ટ આવી રહ્યું છે કે કેવી રીતે અંધેરી નગરી ગંડુ રાજા જેવું શાષન ચાલી રહ્યું છે. સૌથી પહેલી તકલીફ તો એ છે જેની માગ આશ્રમશાળાના કર્મચારીઓ કરી રહ્યા છે. જે છે ઓછું મહેનતાણું. બાળકો સાચવવાનું તેમને 30 રૂપિયાનું મહેનતાણું મળે છે. જે ખુબ ઓછું છે. આશ્રમ શાળા રોટેશન મુજબ ચલાવામાં આવે છે જેનો ઠરાવ છે પણ ઠરાવનો અમલ નથી થતો. 

રવિવારે પણ આશ્રમ શાળાના શિક્ષકોને નથી મળતી રજા 

દાહોદ પંચમહાલમાં આશ્રમ શાળાના નિવાસી શિક્ષકો 24 કલાક ફરજ બજાવે છે તો તેમની ફરિયાદ છે કે તેમને રવિવારે પણ રજા નથી મળતી અને રજા મળે તો પગાર કાપવામાં આવે છે. આશ્રમશાળામાં વધારે સુવિધાઓ નથી તેના કારણે બાળકો ત્યાં ભણવા નથી આવતા તો શિક્ષકો પર દબાવ નાખવામાં આવે છે કે જો સંખ્યા ન થાય તો તમારા પગારમાંથી કપાત કરવામાં આવશે. દાહોદ પંચમહાલની આશ્રમશાળાની ફરિયાદ છે કે તેમની શાળાનું એકવાર નિરીક્ષણ કરવામાં આવે. કારણ કે ત્યાં બાથરૂમની પણ સરખી વ્યવસ્થા નથી અને જે છે એમાં પણ ચોમાસામાં માથે ટીંપા પડે છે. તો તપાસ કરીને સુવિધા કરી આપવા વિનંતી કરી છે. 


પોતાના વ્હાલા લોકોને આચાર્ય બનાવી દેવાય છે!

જ્યારે આશ્રમ શાળાના શિક્ષકે આશ્રમશાળા બહાર જવાનું થાય ત્યારે તેમને આચાર્ય પાસેથી રજા માગવાની રહે છે. આવી પરિસ્થિતિમાં આચાર્ય તો રજા આપી દે છે પણ આશ્રમ શાળાનું સંચાલક મંડળ આચાર્યની રજાને ફગાવી દે છે અને રજા મંજૂર કરવામાં નથી આવતી. તો શિક્ષકો પોતાના સમયમાં સારા નરસા પ્રસંગે ક્યાંય સમાજમાં જઈ નથી શકતા. આશ્રમ શાળામાં મોટો પ્રશ્ન એક એ પણ છે કે અનુભવ અને ઉંમર મુજબ આચાર્યની નિમણૂંક કરવામાં આવતી હોય છે પણ તેવી રીતે ત્યાં શિક્ષક બનાવામાં નથી આવતા, પોતાના વ્હાલા લોકોને આચાર્ય બનાવી દેવાય છે અને શિક્ષકો પાસેથી શાળા સિવાયની કામગીરી પણ કરાવામાં આવે છે.


શિક્ષક પાસેથી કરાવામાં આવે છે પર્સનલ કામ!

જે કામગીરી કરાવામાં આવે છે તે માત્ર શાળાની જ નથી હોતી. પરંતુ પોતાના ઘરની કામગીરી પણ શાળા શિક્ષક પાસેથી કરવામાં આવે છે. જેનો પણ શિક્ષકોનો વિરોધ છે કે અમે આશ્રમશાળાની કામગીરી માટે મૂકવામાં આવ્યા છીએ અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઘડવા આવ્યા છીએ. તમે સાહેબ લોકો તમારા ઘરનું કામ અમારી પાસે ન કરાવી શકો. 


સંચાલક મંડળ બાળકો ઉપર વાપરવાની પૂરી ગ્રાન્ટ વાપરતી નથી

હવે થોડી અંદરની વાત પણ કહી દઈએ કે સંચાલક મંડળ બાળકોને ઉપર વાપરવાની પૂરી ગ્રાન્ટ વાપરતી નથી અને પછી ખોટા વાઉચરો મૂકીને ગ્રાન્ટ સગેવેગે કરી નાખે છે અને જેનો ઉપયોગ વિદ્યાર્થી પર થવો જોઈએ તે ગ્રાન્ટનો ઉપયોગ સંચાલક મંડળના લોકો પોતાના ઘરમાં આવતું શાકભાજી લેવા માટે કરી રહ્યા છે. સંચાલક મંડળના લોકો આશ્રમ શાળાના બિનશૈક્ષણિક કર્મચારીને પોતાના ઘરે કામ પણ કરાવે છે. જેમ કે રસોઈ બનાવવી, તેમના બાળકો સાચવવા, તેમના ઘરની સફાઈ કરવી, ખેતરમાં કામ કરવું વગેરે. આ કામમાં બાળકોને પણ જોડવામાં આવે છે જેથી અમુકવાર તેમના અભ્યાસ પર પણ અસર થાય છે. 


ટેક્સ વગરના બિલ કરવામાં આવે છે રજૂ 

આ બધી પરિસ્થિતિમાં સૌથી ગંભીર વાત એ છે કે આશ્રમ શાળામાં ટેક્સ વગરના બિલ મૂકવામાં આવે છે અને વાઉચરો પર ગ્રાન્ટના નાણાને વિદ્યાર્થીઓના શિક્ષણમાં વાપરવાની જગ્યાએ સંચાલક મંડળ બેફામ રીતે ઉપયોગ કરે છે. ટૂંકમાં આશ્રમ શાળાના શિક્ષકોની માગણી છે કે જો આશ્રમ શાળાને સરકારના હસ્તકમાં લઈ લેવામાં આવશે તો સરકારના નાણાનો ગેરકાયદેસર રીતે જે બેફામ બગાડ થઈ રહ્યો છે તેનો ઉપયોગ લોકોની સુખાકારી માટે થઈ શકશે, આ વાત આશ્રમ શાળાના શિક્ષકો અમારી પાસે એટલા માટે લઈને આવ્યા હતા કારણ કે ત્યાં સો બસો રૂપિયાની કટકી નથી થતી. 


જો નિષ્પક્ષ તપાસ થાય તો ભ્રષ્ટાચારની ઘણી વાતો બહાર આવી શકે છે 

રાજ્યના નાણાની કરોડો રૂપિયાની કટકી થઈ રહી છે. જો ઈન્કમ ટેક્સ જેવી એજન્સી આ વિષય પર નિષ્પક્ષ રીતે તપાસ કરે તો ઘણા બધા કાળા નાણાની અને ભ્રષ્ટાચારની વાતો સામે આવી શકે છે. આ તો અમને મળેલી માહિતી હતી પણ આ મામલે વિગતવાર તપાસ થઈ આનો રિપોર્ટ બનાબીને તપાસ થઈ શકે છે જેથી જો ખરેખર ત્યાં કોઈ કરોડો રૂપિયાના કાંડ ચાલતા હોય તો તેને રોકી શકાય. આના પર કામ થશે તો આદિવાસી જિલ્લાના ઘણા ખરા છોકરાઓને શિક્ષણનો ખરો અર્થ છે તે મળી શકશે. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?