આવતી કાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવાની છે. થોડા સમય પહેલા પેપર ફૂટવાને કારણે પરીક્ષાને રદ્દ કરવામાં આવી હતી. ત્યારે આવતી કાલે યોજાનારી પરીક્ષા માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. પરીક્ષા પહેલા આઈપીએસ અને GPSSBના ચેરમેન હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે પરીક્ષા પહેલા તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે વાત કરી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે દરેક પરીક્ષા ખંડમાં સીસીટીવી કેમેરા ગોઠવાયા છે. ડમી ઉમેદવાર પરીક્ષા કેન્દ્ર સુધી ન પહોંચે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. ઉમેદવારોને મુશ્કેલી ન વેઠવી પડે તે માટે પ્રયાસ કરવામાં આવશે.
હસમુખ પટેલે પરીક્ષા પૂર્વે કરી પ્રેસ કોન્ફરન્સ
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અનેક પેપરો ફૂટી રહ્યા છે. થોડા સમય પહેલા યોજાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર ફૂટવાને કારણે રદ્દ કરવામાં આવી હતી. પરીક્ષા કેન્સલ થતાં લાખો ઉમેદવારોના સપનાઓ પર પાણી ફરી વળ્યું હતું. ત્યારે આવતી કાલે રાજ્યભરમાં જુનિયર ક્લાર્ક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે કોઈ પણ ચૂક ન થાય તે માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા લેવાય તે પહેલા પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું,
પરીક્ષા કેન્દ્રો પર લગાવાયા છે સીસીટીવી કેમેરા
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હસમુખ પટેલે કહ્યું કે પુરતા ઓબ્ઝવર્સ, ફ્લાઈંગ સ્કવોડની તૈયારી થઈ ગઈ છે. દરેક કેન્દ્રો પર સીસીટીવી કેમેરા ફીટ કરી દેવામાં આવ્યા છે. ઉમેદવારોને મુશ્કેલી ન પડે તે માટે પ્રયાસ કરવામાં આવશે. ડમી ઉમેદવાર ન બેસે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. પોલીસ બોડી વોમ કેમેરા સાથે પરીક્ષાની કામગીરીમાં તૈનાત રહેશે. પોલીસ અને એસટી વિભાગ દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે. પરીક્ષાખંડમાં ઉમેદવાર બેસે તે પહેલા યોગ્ય ચકાસણી કરવામાં આવશે. બુટ ચપ્પલ બહાર કઢાવવામાં આવશે. મહત્વનું છે કે ઉમેદવારોને લાવવા-લઈ જવા માટે એસટી બસ તેમજ રેલવેની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
તલાટીની પરીક્ષાને લઈ આપ્યું નિવેદન
તો બીજી તરફ તલાટીની પરીક્ષાને લઈને પણ નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં હસમુખ પટેલે કહ્યું કે પુરતા પરીક્ષા કેન્દ્રો મળશે તો જ પરીક્ષા લેવામાં આવશે. જો કેન્દ્રો નહીં મળે તો પરીક્ષા નહીં લઈ શકાય. અનેક કોલેજોએ હજુ બિલ્ડીંગ નથી આપી. ત્યારે આશા એવી છે કે જુનિયર ક્લાર્કની પરીક્ષા કોઈ પણ વિધ્નવગર લેવાઈ જાય. કારણ કે આપણા માટે આ માત્ર એક પરીક્ષા હોઈ શકે છે પરંતુ ઉમેદવાર માટે આ પરીક્ષા તેનું ભવિષ્ય છે.