સામાન્ય રીતે આપણે અનેક વખત જોયું હશે કે ગૃહિણીને માન સન્માન એટલું નથી આપવામાં આવતું જેટલું માન સન્માન કમાનાર વ્યક્તિને આપવામાં આવે છે...! અનેક લોકોને સાંભળ્યા હશે જે કહેતા હશે કે સ્ત્રીઓનું કામ ઘરને સંભાળવાનું છે વગેરે વગેરે.... ત્યારે સુપ્રીમ કોર્ટે ગૃહિણીનું સન્માન વધે તેવી ટિપ્પણી કરી છે. એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે પરિવારની સંભાળ લેનાર ગૃહિણીનું યોગદાન અમુલ્ય છે. આ સુનાવણી અકસ્માત દુર્ઘટનાને લઈ કરવામાં આવી હતી. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ કે.વી વિશ્વનાથ દ્વારા ગૃહિણીઓ માટે આવી મોટી વાત કહેવામાં આવી છે.
શું હતો સમગ્ર મામલો?
જે દુર્ઘટનાને લઈ સુપ્રીમ કોર્ટમાં સુનવણી ચાલી હતી તેની વાત કરીએ તો 2006માં ઉત્તરાખંડમાં એક મહિલાનું મોત રોડ અકસ્માતમાં થયું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર જે ગાડીને મહિલા ચલાવી રહી હતી તેનો વિમો ન હતો. વાહનનો વિમો ન હતો જેને લઈ પીડિત પરિવારે વળતરનો દાવો વાહનના માલિકને કર્યો. વાહનના માલિક પર વળતરનો દાવો કરવામાં આવ્યો. સ્થાનિક ટ્રિબ્યૂનલે આ મહિલાના પરિવારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો સાથે સાથે માલિકને ૨.૫ લાખ રૂપિયા ચુકવવાનો આદેશ પણ કરવામાં આવ્યો હતો. જો કે પરિવારે ભરપાઇની રકમ ઓછી લાગી જેને લઈ પીડિત પરિવારે ઉત્તરાખંડ હાઇકોર્ટમા અપીલ કરી હતી પરંતુ હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી જે બાદ આ કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો.
હાઈકોર્ટે ફગાવી દીધી હતી અરજી
મીડિયા રિપોર્ટ અનુસાર હાઈકોર્ટે કહ્યું કે મહિલા ગૃહિણી હતી તેથી વળતર આપવામાં આવશે નહીં. વળતર અપેક્ષિત આયુષ્ય અને લઘુત્તમ કાલ્પનિક આવકના આધારે નક્કી કરવાનું હતું. હાઈકોર્ટે મહિલાની અંદાજિત આવકને દૈનિક વેતન મજૂર કરતા ઓછી ગણાવી હતી. આ સુનવણી માટે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને ટકોર કરી છે તેવી જાણકારી મીડિયા રિપોર્ટમાં આપવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે વળતરની રકમ વધારવા આદેશ કર્યો!
સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું કે ગૃહિણીની અંદાજિત આવકને રોજીરોટી મજૂર કરતા ઓછી કેવી રીતે ગણી શકાય? સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટની ટિપ્પણીને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે અમે આ પ્રકારના દૃષ્ટિકોણને સ્વીકારતા નથી. સુપ્રીમ કોર્ટે હવે વળતર 2.5 લાખ રૂપિયાથી વધારીને 6 લાખ રૂપિયા કરી દીધું છે. કોર્ટે વાહનના માલિકને 6 અઠવાડિયામાં પેમેન્ટ કરવાનો આદેશ આપ્યો છે.
ગૃહિણીની મહત્તા આપણે નથી સમજતા!
મહત્વનું છે કે આપણામાંથી અનેક એવા હશે જે ગૃહિણીની મહત્તાને નહીં સમજતા હોઈએ. અનેક લોકોને લાગતું હોય છે કે આ તો તેમનું કામ છે, અને તે કરે છે... તેમને એવી respect નથી મળતી જેને તે deserve કરે છે. ગૃહિણીની મહત્તા ત્યારે સમજાય છે જ્યારે એક બે દિવસ માટે ગૃહિણી બહાર ગઈ હોય છે.! આખું ઘર અસ્તવ્યસ્ત થઈ જતું હોય છે ગૃહિણી વગર.!