આજે સુપ્રીમ કોર્ટમાં same sex marraigeને લઈ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સમલૈંગિક લગ્નને માન્યતા આપવામાં આવે તેવી માગ કરતી યાચિકા પર દલીલો કરવામાં આવી હતી. આ કેસમાં સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે આ સંસદના અધિકારક્ષેત્રનો મામલો છે. તેમણે સમલૈંગિકોને બાળકો દત્તક લેવાનો અધિકાર આપ્યો અને કેન્દ્ર અને રાજ્ય સરકારોને સમલૈંગિકો માટે યોગ્ય પગલાં લેવાનો આદેશ પણ આપ્યો.
https://x.com/ANI/status/1714179176247545999?s=2010 દિવસ સુધી ચાલી હતી સુનાવણી
સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે સ્પેશિયલ મેરેજ એક્ટને નાબૂદ કરી શકે નહીં. મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડે કહ્યું કે સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવી સંસદનું કામ છે. કોર્ટ કાયદો બનાવી શકતી નથી. જોકે, CJIએ કહ્યું કે સમલૈંગિક લોકોને લગ્ન કરવાનો અધિકાર મળવો જોઈએ, જે અન્ય વિજાતીય લોકોને મળે છે. બાંધરણીય બેંચે 18 એપ્રિલે આ કેસની સુનાવણી શરૂ કરી હતી અને લગભગ 10 દિવસ સુધી આની સુનાવણી ચાલી હતી. ત્યારે આ કેસને લઈ આજે સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે.
શું કહ્યું CJIએ?
વાસ્તવમાં, 3 મેના રોજ, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે ક્વિર સમુદાય સાથે સંબંધિત સમસ્યાઓ પર કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવશે. કેન્દ્ર વતી, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ત્યારે કહ્યું હતું કે સમલૈંગિક યુગલોને સામાજિક લાભો આપવા અંગે કોર્ટ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો પર સરકાર સકારાત્મક વિચાર ધરાવે છે. પાંચ જજોની બેન્ચે કહ્યું હતું કે તેઓ ધાર્મિક પર્સનલ લૉ છે તેમાં ફેરફાર કરવા નથી માગતા, પરંતુ આંતર-જ્ઞાતિ અને આંતર-ધર્મ લગ્નો માટેનો સ્પેશ્યલ મૅરેજ ઍક્ટ છે, તેનું વિશેષ રીતે અર્થઘટન કરીને LGBTQ+ સમુદાયના લોકોના લગ્નને કાયદેસર કરી શકે છે કે કેમ તે જોશે.
સરકારે સુપ્રીમ કોર્ટની એફિડેવિટમાં શું કહ્યું?
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા સરકારે 56 પાનાનું એફિડેવિટ પણ દાખલ કર્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે ગે લગ્નને મંજૂરી આપી શકાય નહીં. કેન્દ્રએ કહ્યું કે સમલૈંગિક લગ્ન ભારતીય પરિવારના ખ્યાલની વિરુદ્ધ છે. ભારતીય પરિવારની વિભાવનામાં પતિ, પત્ની અને તેમનાથી જન્મેલા બાળકોનો સમાવેશ થાય છે. કેન્દ્રના મતે, લગ્નની વિભાવનાએ શરૂઆતથી જ વિજાતીય બે વ્યક્તિઓના જોડાણને ધ્યાનમાં લીધું છે. આ વ્યાખ્યા સામાજિક, સાંસ્કૃતિક અને કાયદાકીય રીતે લગ્નના વિચાર અને ખ્યાલમાં સમાવિષ્ટ છે. આમાં કોઈ છેડછાડ ન થવી જોઈએ.
આ દેશોએ આપી છે સમલૈંગિક લગ્નને માન્યતા
ભારતમાં જ્યારે સમલૈંગિક લગ્નને માન્યતા આપવાની વાતો થઈ રહી છે ત્યારે વિશ્વના અનેક દેશો એવા છે જ્યાં આવા લગ્નોને માન્યતા આપવામાં આવી ગઈ છે. 35 દેશો જેમણે સમલૈંગિક લગ્નને કાયદેસર રીતે માન્યતા આપી છે તે દેશોની વાત કરીએ તો ક્યુબા, એન્ડોરા, સ્લોવેનિયા, ચિલી, સ્વિટ્ઝર્લેન્ડ, કોસ્ટા રિકા, ઑસ્ટ્રિયા, ઑસ્ટ્રેલિયા, તાઇવાન, એક્વાડોર, બેલ્જિયમ, બ્રિટન, ડેનમાર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, આઇસલેન્ડ, આયર્લેન્ડ, લક્ઝમબર્ગ, માલ્ટા, નોર્વે, પોર્ટુગલ, સ્પેન, સ્વીડન, મેક્સિકો, દક્ષિણ આફ્રિકા, યુનાઇટેડ સ્ટેટ્સ, કોલંબિયા, બ્રાઝિલ, આર્જેન્ટિના, કેનેડા, નેધરલેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઉરુગ્વેનો સમાવેશ થાય છે. તો બીજી બાજુ અનેક દેશો એવા પણ છે જ્યાં સજાની જોગવાઈ કરવામાં આવી છે.