માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરનાર જજ સહિત 68 જજોની બઢતીનો આદેશ કરવામાં આવ્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે ગુજરાતની જિલ્લા અદાલતોમાં 68 જજોની બઢતી પર સ્ટે મૂકી દીધો છે. ગુજરાતના 68 ન્યાયિક અધિકારીઓને જિલ્લા જજ કેડરમાં પ્રમોશનને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. આ અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી પૂર્ણ કરી લીધી હતી. અને પોતાનો નિર્ણય સુરક્ષિત કરી લીધો હતો. સુપ્રીમ કોર્ટે 68 જજોની બઢતી પર સ્ટે મૂકી દીધો છે અને હવે આ મામલે 8 ઓગષ્ટના રોજ સુનાવણી કરવામાં આવશે.
પ્રમોશન પામનારા જજોમાં સામેલ હતા રાહુલ ગાંધીને સજા આપનાર જજ!
થોડા સમય પહેલા સુરતની કાર્ટ દ્વારા રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. મોદી સરનેમને લઈ આપવામાં આવેલા નિવેદનને લઈ કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. ત્યારે થોડા સમય બાદ રાહુલ ગાંધીને સજા ફટકારનાર જજ સહિત 68 જજોની બઢતી કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. પરંતુ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો છે.
પ્રમોશન રદ કરવાની કરાઈ હતી અરજી
ગુજરાતના 68 ન્યાયાધીશોના પ્રમોશનને સિનિયર સિવિલ જજ કેડરના બે જ્યુડિશિયલ ઓફિસર રવિ કુમાર મહેતા અને સચિન મહેતા દ્વારા પડકારવામાં આવ્યું હતું. તેમની અરજીમાં તેમણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા 10 માર્ચે બહાર પાડવામાં આવેલી બઢતીની યાદીને રદ કરવા અને ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી નિમણૂકની સૂચનાને રદ કરવાની માંગ કરી છે. અરજીમાં માગણી કરવામાં આવી હતી કે ગુજરાત હાઈકોર્ટ મેરિટ અને સિનિયોરિટીના આધારે ન્યાયિક અધિકારીઓની નવી યાદી તૈયાર કરે. ત્યારે સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો છે અને 8 ઓગષ્ટે આ મામલે વધુ સુનાવણી થશે. જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ સી.ટી.રવિકુમારની બેન્ચ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી.