સુપ્રીમ કોર્ટે લખીમપુર ખેરી હિંસા કેસના આરોપી આશિષ મિશ્રાને રાહત આપી છે. લખીમપુર ઘટનાના આરોપી આશિષ મિશ્રાને આઠ અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા છે. જો આશિષ મિશ્રા શરતોનું ઉલ્લંઘન કરશે તો કોર્ટ તેમની જમાનત રદ્દ કરી શકે છે. આ મામલા પર આગામી સુનાવણી 4 માર્ચના રોજ કરવામાં આવશે. ઉપરાંત કોર્ટે હત્યાના આરોપી 4 કિસાનોને પણ જામીન આપવાના આદેશ આપ્યા છે.
નાયબ મુખ્યમંત્રી લેવાના હતા મુલાકાત
ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ખેડૂતો પર ગાડી ચઢાવવામાં આવી હતી. આ ઘટનાનો વિરોધ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો અને ખેડૂતો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. 3 ઓક્ટોબર 2021ના રોજ આ ઘટના સર્જાઈ હતી. વિરોધ પ્રદર્શન ત્યારે કરવામાં આવ્યો હતો જ્યારે તત્કાલિન નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય આ વિસ્તારની મુલાકાત લેવાના હતા.
શરતોને આધીન મળી જામીન
અલ્હાબાદ હાઈકોર્ટે લખનઉ બેંચે ગયા વર્ષે 26 જાન્યુઆરીના રોજ આશિષ મિશ્રાની અરજીને ફગાવી દીધી હતી. આશિષ મિશ્રાએ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા હતા. સુપ્રીમ કોર્ટે 19 જાન્યુઆરીએ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે જ્યાં સુધી ગુનો સાબિત ન થાય ત્યાં સુધી આરોપીને અનિશ્ચિત સમય માટે જેલમાં ન રાખવો જોઈએ. સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે 8 અઠવાડિયા સુધી આશિષ મિશ્રાને શરતોને આધીન જામીન આપી છે. જામીન મળ્યા બાદ એક સપ્તાહ બાદ આશિષ મિશ્રાને ઉત્તરપ્રદેશ છોડવાનું રહેશે.