વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બીજા દિવસના પ્રવાસ દરમિયાન અનેક જનસભા સંબોધી રહ્યા છે. ભરૂચ ખાતે તેમણે જનસભા સંબોધી હતી જે બાદ આણંદ ખાતે પહોંચ્યા હતા. આણંદના શાસ્ત્રી મેદાન ખાતે જનસભાનું આયોજન જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
કમળને હમેશાં ખીલતું રાખ્યું છે - વડાપ્રધાન મોદી
પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે ગુજરાત અને ભાજપનો સંબંધ અખૂટ છે. આ સંબંધ માત્ર રાજકારણના નથી. આતો દિલનો પ્રેમ છે, કમળને હંમેશા ખીલતું રાખ્યું છે. ગુજરાત એટલે ઉતરો ઉતર પ્રગતિ. નિત નવા સાહસો, મારા ગુજરાતીઓનો દુનિયામાં જયજયકાર છે. ગુજરાત એટલે સબ કા સાથ સબ કા વિકાસ, તમે જેટલો પ્રેમ આપ્યો છે, અમે એટલો વિકાસ આપ્યો છે. મહિલાઓની સુરક્ષા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ગુજરાતની દિકરી મોડી રાત સુધી સ્કુટી લઈને બહાર જાય પણ મા બાપ ચિંતા મુક્ત હોય છે. દિકરીઓને સન્માન આપીને મા-બાપની ચિંતા ઓછી કરી દીધી છે.
વિકાસના કામો અંગે પીએમ મોદીએ કરી વાત
ભાજપના વિકાસના કામો ગણાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગામે ગામ પાકા રસ્તા બનાવ્યા છે, અને ઘરે ઘરે પાણી પહોંચાડ્યું છે. ભાજપની સરકારે 20 વર્ષમાં ડબલ કામ કર્યા છે. ઘરે ઘરે વીજળી પહોંચાડી છે અને ગામડામાં થ્રી-ફેજ વીજળી મળવા લાગી છે. ઘરમાંથી જવાનીયાઓને ઘરડા મા-બાપ છોડીને નોકરી માટે હવે દુર નથી જવું પડતું, ઘર આંગણે જ રોજગાર મળે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી વિશ્વભરમાં સરદાર પટેલનું સન્માન થયું છે પણ કોંગ્રેસવાળા હજુ સ્ટેચ્યુ ઓફ યુનિટિ નથી ગયા. 21મી સદીમાં ગુજરાતની ઓળખ વિશ્વભરમાં થઈ છે. અમે વાતોના વડા કરનાર લોકો નથી, ધરતી પર કામ કરનાર લોકો છીએ.
કોંગ્રેસ પર કર્યા પ્રહાર -
ભાજપનો પ્રચાર કરવા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પણ અનેક પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે આ વખતે કોંગ્રેસે નવી ચાલ ચાલી હોય તેવું મને લાગે છે. પહેલાં તો હાકલા પડકારા કરતા હતા, આ વખતે બોલતા નથી પણ ગામે ગામ ગોઠવણ કરી રહ્યા છે. એટલે તમે સાવચેત રહેજો. એ નવી ચાલચાલીને તમને ભોળવશે. વધુમાં તેમણે કહ્યું તે આપણે એમની ટીકા નથી કરવી પણ સતર્ક રહેવું પડશે.