બિપરજોયને લઈ હવામાન વિભાગ દ્વારા અપડેટ આપવામાં આવી રહી છે. ધીમે ધીમે ચક્રવાત ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે. અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાતને કારણે ગુજરાતના દરિયાકાંઠાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. વાવાઝોડું દક્ષિણ પશ્ચિમ પરબંદરથી અંદાજીત 640 કિલોમીટર દૂર છે. પરંતુ ધીમે ધીમે વાવાઝોડું ગુજરાતની નજીક આવી રહ્યું છે. જેમ જેમ વાવાઝોડું નજીક આવી રહ્યું છે તેમ તેમ તેની ઝડપ પણ વધી રહી છે. જેને કારણે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. અનેક દરિયાઓમાં કરંટ જોવા મળી રહ્યો છે.
ગુજરાતથી આટલા કિલોમીટર દૂર છે વાવાઝોડું!
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. વાવાઝોડાને પગલે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈ આગામી દિવસોમાં વલસાડ, સુરત અને કચ્છમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વાવાઝોડાને કારણે અનેક બીચને બંધ કરી દેવામાં આવ્યા છે. તંત્ર પણ વાવાઝોડાને લઈ એલર્ટ છે. આગામી ત્રણ દિવસ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠે વિમાન મારફત હવાઈ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ભાવનગર, અમરેલી, જામનગર, માંગરોળ, પોરબંદર, ઉના, વલસાડ, નવસારી અને દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો હતો. વાવાઝોડાનો માર્ગ વારંવાર બદલાતાં ફરી ચિંતા વધી રહી છે. હવે જખૌ તરફ ફંટાતાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે. આગામી તારીખ 11થી 14 જૂન સુધી તેજ પવન સાથે ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે.
અંબાલાલ પટેલે કરી વાવાઝોડાને લઈ આગાહી!
વાવાઝોડાને લઈ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે 10,11 અને 12 જૂને પવન 80થી 100 કિમી પ્રતિ કલાકે ફૂંકાઈ શકે છે. પવનની ગતિ 120 કિમી સુધી પણ જઈ શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. તે સિવાય હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વાવાઝોડાને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાત પર વાવાઝોડાની અસર ભારે થઈ શકે છે. વાવાઝોડું ઓમાન તરફ નહીં જાય પરંતુ સંભાવના પ્રમાણે ગુજરાત કાંઠા નજીક આવી શકે છે. કાંઠા વિસ્તાર પર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. વરસાદને લઈ આગાહી કરતા કહ્યું કે પોરબંદર, સોમનાથ, વેરાવળ, ગીર, ભાવનગર, દક્ષિણ કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં તેની અસર થવાની શક્યતા રહેશે.