તાજેતરમાં રાજ્ય સરકારે જંત્રીના ભાવમાં વધારો કર્યો હતો. જંત્રીના ભાવમાં વધારો થતા બિલ્ડરો નારાજ થયા હતા. ત્યારે આ નિર્ણયને લઈ રાજ્ય સરકારે પીછેહઠ કરી છે. જે ભાવ વધારો 5મી ફેબ્રુઆરીથી અમલીમાં મૂકાવાનો હતો તેને હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે. હવે આ ભાવ વધારો એપ્રિલ મહિનામાં લાગુ કરવામાં આવશે. આ નિર્ણયને બિલ્ડરોએ આવકાર્યો છે.
જંત્રી દરનો વધારો થતાં બિલ્ડરોએ નોંધાવ્યો હતો વિરોધ
ગુજરાત સરકાર દ્વારા જંત્રીના દરમાં એકાએક વધારો કરવામાં આવ્યો હતો. સરકારે 4 ફેબ્રુઆરીના રોજ પરિપત્ર બહાર પાડી ભાવ વધારા અંગેની જાહેરાત કરી હતી. ભાવ વધારો 5 ફેબ્રુઆરીથી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણયને લઈ બિલ્ડરોમાં અસંતોષ જોવા મળ્યો હતો. આ નિર્ણયને અનેક બેઠકો પણ કરવામાં આવી હતી. ત્યારે આ નિર્ણયને હાલ માટે મોકૂફ રાખવામાં આવ્યો છે.
એપ્રિલ મહિનાથી આ નિર્ણય આવશે અમલમાં
બિલ્ડર એસોશિએશને આ મુદ્દે મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. સીએમએ આ મુદ્દાને લઈ વિચાર કરવાની બાંહેધરી આપી હતી. જે બાદ શનિવાર સવારે મુખ્યમંત્રી કાર્યાલયથી એક ઓફિશિયલ મેસેજ આપવામાં આવ્યો હતો. જેમાં જણાવામાં આવ્યું હતું કે રાજ્ય સરકારે તાજેતરમાં જંત્રી દરમાં કરેલો વધારો 15-04-2023થી અમલી કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન સામાન્યના વ્યાપક હિતમાં આ નિર્ણય કર્યો છે. આ નિર્ણયને લઈ બિલ્ડરોમાં આનંદ જોવા મળ્યો છે.