ગઈકાલથી ઉત્તરાખંડમાં હિંસા ભડકી ઉઠી છે. હલ્દ્વાનીમાં ગુરૂવાર રાતથી પરિસ્થિતિ વણસી રહી છે. 8 ફેબ્રુઆરીએ કથિત રીતે ગેરકાયદેસર ઉભા કરવામાં આવેલા મદરેસાને અને ધર્મસ્થળને તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી. ઈમારત તોડી પડાતા હિંસા ફાટી નીકળી હતી. આ ભડકેલી હિંસામાં 4 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે 100 જેટલા લોકો ઘાયલ થયા છે. જે લોકો ઘાયલ થયા છે તેમાં પોલીસકર્મીઓ છે. આ પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો છે ઉપરાંત ઈન્ટરનેટ સેવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ આ પરિસ્થિતિને શાંત પાડવા માટે હાઈ લેવલ બેઠક બોલાઈ છે.
અધિક્રમણ હટાવવા ગયેલી ટીમ પર કરાયો હુમલો!
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હલ્દવાનીના બાનભૂલપુરામાં ગેરકાયદે બાંધકામ હટાવવા દરમિયાન પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ અને કર્મચારીઓ પર હુમલાની અને વિસ્તારમાં અશાંતિ ફેલાવવાની ઘટનાને ગંભીરતાથી લીધી છે. આ સાથે જ હલ્દવાનીમાં તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા છે. ગુરુવારે સ્થાનિક બનભૂલપુરાના મલિક કા બગીચા વિસ્તારમાં સરકારી જમીન પર બનેલા મદરેસા અને મસ્જિદને તોડવા માટે આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પર ભૂ-માફિયાના લોકોએ હુમલો કર્યો હતો અને પોલીસ સ્ટેશનને સળગાવી દીધું હતું. ત્યારથી આ વિસ્તારમાં તણાવ છે અને પ્રશાસને કર્ફ્યુ લગાવી દીધો છે અને બજારો બંધ કરી દીધા છે. આ મામલે કલેક્ટરે ખુલાસો કર્યો છે.
આ ઘટનામાં હજી સુધી થયા ચાર જેટલા લોકોના મોત
હલ્દવાની મામલામાં સીએમ પુષ્કર સિંહ ધામીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. સીએમ ધામીએ મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. બેફામ તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. દરમિયાન, ડીએમએ હલ્દવાનીમાં કર્ફ્યુ લાદી દીધો છે અને તોફાનીઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપ્યા છે. મહત્વનું છે આ ઘટનામાં હજી સુધી ચાર લોકોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે ઉપરાંત અનેક પોલીસકર્મીએ ઘાયલ થયા છે.