સમગ્ર દેશમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. ઉત્તરભારતના અનેક રાજ્યોમાં કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. પહાડી વિસ્તારમાં હિમવર્ષા થતા અનેક બીજા રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. જમ્મુ-કાશ્મીરના 12 જિલ્લાઓમાં બરફની વર્ષા થઈ રહી છે. ઉપરાંત ઉત્તરાખંડના ચમોલી, જોશીમઠ અને બદ્રીનાથ જેવી જગ્યાઓ પર પણ બરફ પડ્યો હતો.
ઉત્તરભારતના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં ઠંડીને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો માઈનસમાં પહોંચી ગયો છે. અનેક રાજ્યો શીતલહેરની ચપેટમાં આવી ગયા છે. માઉન્ટ આબુમાં તાપમાન માઈનસમાં નોંધાયું હતું.
અનેક જગ્યા પર થઈ હિમવર્ષા
ઠંડીનું પ્રમાણ વધતા ધુમ્મસભર્યું વાતાવરણ રહે છે. ધુમ્મસભર્યું વાતાવરણને કારણે અનેક ફ્લાઈટ તેમજ ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ દિલ્હી, હરિયાણા, પંજાબ સહિત ઉત્તરભારતના રાજ્યોમાં આવી જ કડકડતી ઠંડીનો અહેસાસ થવાનો છે. હિમવર્ષાને કારણે અનેક જગ્યાઓ પર રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી. હિમાચલ પ્રદેશમાં રસ્તા પર બરફ છવાઈ ગયો હતો અને તેને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.
દિલ્હી, પંજાબ સહિતના રાજ્યોમાં વધ્યો ઠંડીનો ચમકારો
જમ્મુ-કાશ્મીરમાં આમ પણ તાપમાનનો પારો હમેંશા ઓછો જ હોય છે. પરંતુ આ વખતે ત્યાં પણ હાડકા થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી ત્યાં હિમવર્ષા થઈ રહી છે ઉપરાંત બરફનું તોફાન પણ આવ્યું હતું. તે સિવાય દિલ્હીમાં પણ ઠંડીનું જોર જોવા મળી રહ્યું છે. બિહારમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઠંડીનો સેકેન્ડ રાઉન્ડ શરૂ થઈ ગયો છે. ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ ઠંડીનો બીજો રાઉન્ડ જોવા મળી રહ્યો છે.