ગુજરાતમાં 36મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી દરમિયાન આ ગેમ્સની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થઈ હતી. ગુજરાતના 6 શહેરોમાં નેશનલ ગેમ્સ અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે પણ અનેક ગેમ્સનું આયોજન કરાયું છે.
ત્રણ દિવસ માટે કરાયું છે સાયકલ રેસનું આયોજન
ત્યારે 7 ઓક્ટોબરથી 9 ઓક્ટોબર દરમિયાન સાયકલ રેસનું આયોજન કરાયું છે. જેને કારણે ગાંધીનગર જતો એક રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જાહેરનામાં પ્રમાણે 7 ઓક્ટોબરથી 9 ઓક્ટોબર દરમિયાન સવારના 5 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી ચ-0થી ઘ-0 સુધીનો રોડ બંધ રહશે. અને ત્યારબાદ ગાંધીનગરથી સરખેજ તરફનો ખોરજ કન્ટેનર કટ સુધીનો હાઈવે તમામ વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે.
નેશનલ ગેમ્સમાં દેશભરથી ખિલાડીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. સાયકલ રેસ યોજાવાને કારણે તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જ્યાં જ્યાં સાયકલ રેસ યોજાવાની છે ત્યાં ત્યાં રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. સાયકલ રેસને કારણે 7 ઓક્ટાબરથી 9 ઓક્ટોબર સુધી ચ-0થી લઈને ખોરજ કન્ટેનર કટ સુધીનો માર્ગ, ગાંધીનગરથી સરખેજનો એક તરફ જવાનો એક તરફનો માર્ગ બંધ રખાશે.
ડાયવર્ટ રૂટની કરાઈ વ્યવસ્થા
વાહનચાલકોને અગવડના પડે તે માટે રસ્તાને ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે. ચ-0થી શાહપુર સર્કલથી રીલાયન્સ સર્કલ થઈને ખ-0 પર આવેલા સર્વિસ રોડનો ઉપયોગ કરીને ઉવારસદ બ્રિજ નીચે પહોંચી શકાશે. આવી જ રીતે ઘ-0 બ્રિજની નીચેથી સર્વિસ રોડ પરથી ખ-0 થઈને ઉવારસદ બ્રિજ નીચે પહોંચી શકાશે. ત્યારબાદ બાલાપીર ચોકડી, ઝુંડાલ થઈને રીંગરોડ થઈને અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ નીકળી અમદાવાદ પહોંચી શકાશે.