એક તરફ કોરોના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ હાર્ટ એટેકના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. નાની ઉંમરે લોકોના મોત થઈ રહ્યા છે અને સિલસિલો યથાવત હજી પણ જોવો મળી રહ્યો છે. એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે જેમાં 40 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવ્યો છે. મળતી માહિતી અનુસાર જેમનું નિધન થયું છે તેમનું નામ રામ બુજારક છે અને તે નોકરી પર જઈ રહ્યા હતા. ઘરેથી નોકરી જવા નીકળ્યા ત્યારે રસ્તા પર તે અચાનક ઢળી પડ્યા. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ તે પહેલા તેમનું મોત થઈ ગયું હતું.
સુરતથી સામે આવ્યો હાર્ટ એટેકનો કિસ્સો
હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવવા જાણે સામાન્ય બની ગયા છે. હસતો રમતો વ્યક્તિ ગમે ત્યારે અંતિમ શ્વાસ લઈ લે છે અને ખબર પણ નથી પડતી. કોઈ જમતા જમતા મોતને ભેટે છે તો કોઈ ડાન્સ કરતા કરતા કાળનો કોળિયો બની જાય છે. કોઈ પરીક્ષા આપતી વખતે અચાનક ઢળી પડે છે તો કોઈ વાતો કરતા કરતા મોતને વ્હાલો થઈ જાય છે. એક સમય હતો જ્યારે એવું માનવામાં આવતું કે હાર્ટ એટેક મોટી ઉંમરના લોકોને આવે પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. નાની ઉંમરના લોકોને હૃદયહુમલો આવી રહ્યો છે અને મોત થઈ રહ્યું છે.
વિદ્યાર્થીઓ પણ બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર
ત્યારે સુરતથી એક ઘટના સામે આવી છે જેમાં 40 વર્ષીય વ્યક્તિ ચાલતા ચાલતા મોતને ભેટ્યો છે. સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં આ ઘટના બની છે. રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સામાન્ય રીતે પ્રતિદિન 7થી 8 જેટલા લોકોને હાર્ટ એટેક આવે છે અને મોતને ભેટે છે. ન માત્ર યુવાનોમાં પરંતુ વિદ્યાર્થીઓમાં પણ હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. અનેક વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. મહત્વનું છે કે વધતા હાર્ટ એટેકના કિસ્સાઓએ સરકારનું ટેન્શન પણ વધાર્યું છે. શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ સરકારે અપાવી છે.