પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરબીની મુલાકાત લીધી હતી ત્યારે મોરબીને અને પુલ તૂટ્યા બાદ સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોની હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોસ્પિટલની મુલાકાતે આવી રહ્યા હતા તેના કારણે મોરબીની હોસ્પિટલને શણગારવામાં આવી હતી. સમાચાર આવી રહ્યા છે કે રંગરોગાનના આદેશ આપનાર ડોક્ટર પ્રદીપ દૂધરેજિયા પાસેથી સુપ્રિટેન્ડેન્ટનો ચાર્જ છીનવી લેવામાં આવે અને હોસ્પિટલનો ચાર્જ મેડિકલ કોલેજના ડીનને આપી દેવામાં આવે.
રંગરોગાનનો આદેશ આપનાર ડોક્ટરનો ચાર્જ છીનવાયો
મોરબીની હોસ્પિટલમાં કલર કરીને શણગારવામાં આવી હતી જેના કારણે લોકો અને વિપક્ષે તમામ કામગીરીને વખોડી પાડી હતી. આ રંગરોગાન કરવાનો આદેશ મોરબી હોસ્પિટલના ડોક્ટર દ્વારા આપવામાં આવ્યો હતો. સોમવારે રાત્રે અને મંગળવારની સવાર સુધી હોસ્પિટલ શણગારવામાં આવી હતી. આટલા દિવસો બાદ આદેશ કરવામાં આવ્યો છે કે ડોક્ટર પ્રદીપ દૂધરેજિયા પાસેથી સુપ્રિટેન્ડેન્ટનો ચાર્જ છીનવી લેવામાં આવે અને હોસ્પિટલનો ચાર્જ મેડિકલ કોલેજના ડીનને આપી દેવામાં આવે.
30 ઓક્ટોબર રવિવારના રોજ મોરબી શહેરની શાન ગણાતો ઝુલતો બ્રિજ તૂટી ગયો હતો. આ દુર્ઘટનામાં ગુજરાતના 130થી વધુ લોકોના જીવ ગયા હતા. આ દુર્ઘટના મોરબી નગરપાલિકા, બ્રિજનું સંચાલન કરતી કંપની, સરકાર સહિત ગુજરાત પર કાળા દાગ સમાન છે.