આપણા ઘરે પીવાના પાણીની બદલીમાં ગંદુ પાણી આવે તો? ચોખ્ખા પાણીની બદલીમાં પીવા માટે ગંદુ પાણી આપવામાં આવે તો કેવી હાલત થાય? ઘરની બહાર ડ્રેનેજનું ગંદુ પાણી હોય તો કેવી હાલત થાય? પીવાનું પાણી દુષિત આવે તો કેવું થાય? આ વિચારીને જ આપણને કંઈક થવા લાગે છે તો એવા લોકોની હાલત શું થતી હશે જે 10 દિવસથી આવી પરેશાનીથી પીડાઈ રહ્યા છે. બોડકદેવમાં આવેલી દેવ સિટી બંગ્લોઝમાં આવી જ પરિસ્થિતિ છે અને તે પણ 10 દિવસથી.. ગંદુ પાણી પીને સોસાયટીના રહીશો બિમાર પડી રહ્યા છે. બાળકો અને વૃદ્ધો ઝાડા ઉલ્ટીનો શિકાર થઈ રહ્યા છે.
પીવા માટે આવતું હતું ગંદુ પાણી
ડ્રેનેજ તથા ગંદા પાણીના ત્રાસથી ત્યાંના રહીશો ત્રસ્ત થઈ ગયા છે. 10 દિવસ જેટલો સમય વીતિ ગયો છે પરંતુ અનેક વખત રજૂઆત કરવા છતાંય કોઈ નિરાકરણ ના આવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. તાત્કાલિક ધોરણે આ ગંદા પાણીની સમસ્યાનું નિરાકરણ આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિકો દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે રમેશ કન્સ્ટ્રક્શન દ્વારા ઉચિત નિયમોનું પાલન નથી કરવામાં આવી રહ્યું. તંત્રને ફરિયાદ કરી છે કે રમેશ કન્સ્ટ્રક્શન તરફથી નવ નિર્માણ માટેના ઉચિત નિયમોનું પાલન નથી કરવામાં આવી રહ્યું. ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે નિયમોનું. ત્યારે જવાબદાર પરિબળ વિરૂદ્ધ તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.
ચોખ્ખું પાણી આપવાની જવાબદારી છે કોર્પોરેશનની!
મહત્વનું છે કે ત્યાંના રહીશોએ મદદનીશ મ્યુનિસિપલ કમિશ્નરને અનેક માગણીઓ કરી છે કે રહીશોને ચોખ્ખા પાણીનો પુરવઠો મળી રહે તે માટે 12 પાણીની ટેન્કરો ફાળવવામાં આવે, ઉભરાયેલા ગટરોને તાત્કાલિક ધોરણે સાફ કરવામાં આવે ઉપરાંત પીવા માટે ચોખ્ખુ પાણી તાત્કાલિક ધોરણે આપવામાં આવે તેવી રજૂઆત સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે કે સ્થાનિકોને ચોખ્ખુ પાણી પીવા માટે મળે તેની જવાબદારી કોર્પોરેશનની છે. તો સોસાયટીને પાણી પુરવઠો સોસાયટીને આપવામાં આવે તેવી માગ સ્થાનિકોએ કરી છે. મહત્વનું છે કે ખરાબ પાણી પીવાને કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. લોકો બિમાર થઈ રહ્યા છે.