થોડા દિવસો બાદ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. દિવાળી સમયે લોકો બહારથી ખાણીપીણીની વસ્તુઓ લાવતા હોય છે. તે પહેલા આવતી કાલે દશેરાનો પર્વ છે. દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાનો રિવાજ આપણે ત્યાં છે. દશેરાના દિવસે જ્યાં સુધી ફાફડા જલેબી ન ખઈએ ત્યાં સુધી તહેવારની ઉજવણી અધૂરી હોય તેવું લાગે. ત્યારે દશેરા પહેલા અનેક જગ્યાઓ પર આરોગ્ય તેમજ ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે છે. ફાફડા જલેબી બનાવવા વાળી દુકાનો પર ચેકિંગ કરવામાં આવે છે અને ખાદ્યપદાર્થનો નમુનો લેવામાં આવે છે.
તહેવાર દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા કરાય છે ચેકિંગ
દશેરાની ઉજવણી ફાફડા જલેબી ખાઈને લોકો કરતા હોય છે. દશેરાના દિવસે કરોડોના ફાફડા જલેબી લોકો ખાતા હોય છે. પરંતુ તેહવાર નજીક આવતા અથવા તો તહેવારના દિવસો દરમિયાન લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોય છે. ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરવામાં આવતી હોય છે. એવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે જે શરીર માટે નુકસાનકારક હોય. ત્યારે દશેરા નજીક આવતા અલગ અલગ જગ્યાઓથી સેમ્પલ લેવામાં આવે છે તે જોવા કે જે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે આરોગ્ય માટે હાનીકારક તો નથી ને. આ વખતે પણ ખાદ્યપદાર્થોના નમુના લેવામાં આવ્યા તે સારૂં કહેવાય પરંતુ તેનો રિપોર્ટ તહેવાર પૂર્ણ થયાના અનેક દિવસો બાદ આવશે.
સુરતમાં આરોગ્ય વિભાગની ટીમે પાડ્યા ફરસાણની દુકાનો પર દરોડા!
થોડા દિવસો પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોરર્પોરેશન દ્વારા ફાફડા-જલેબી બનાવતી દુકાનો પર ચેકિંગ હાથ ધરાયું હતું.સુરત ખાતે પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, અલગ અલગ ટીમો બનાવી ફરસાણ બનાવતી દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તે ઉપરાંત રાજ્યના વિવિધ વિસ્તારોમાં આવા તહેવારના સમયે ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે છે. જો રિપોર્ટમાં ફૂડ સેમ્પલ ફેઈલ જાય તો બાદ તે દુકાનદાર વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવે છે ખાદ્યપદાર્થ
ફાફડા બનાવવામાં કઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે, જે ખાદ્યપદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે તે માટે શરીર માટે હાનિકારક નથી તે જાણવા માટે ચેકિંગ કરવામાં આવે છે. જે તેલમાં વારંવાર ફાફડા બનાવવામાં આવે છે તે તેલની ગુણવત્તા કેવી છે તેનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. ખાસ મશીન દ્વારા તેલનું ટોટલ પોલાર કાઉન્ટ ચેક કરવામાં આવ્યા હતા. મશીન દ્વારા બતાવવામાં આવે છે કે તેલ સારૂ છે કે ખરાબ પરંતુ જલેબી બનાવવામાં વપરાતું ઘી સારી ક્વોલિટીનું છે કે નહીં તે જાણવા લેબોરેટરી ટેસ્ટ માટે મોકલવું પડે છે.
અનેક દિવસો બાદ ટેસ્ટિંગ અંગેનો આવે છે રિપોર્ટ
ફાફડા જલેબીના સેમ્પલો લઈ તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવે છે અને રિપોર્ટની રાહ જોવાય છે કારણ કે એ રિપોર્ટ અંદાજીત અઠવાડિયા અથવા તો 15 દિવસ બાદ આવે છે. ત્યારે પ્રશ્ન એ થાય કે જ્યાં સુધી રિપોર્ટ આવે છે ત્યાં સુધી તો ફાફડા જલેબી લોકોએ ખાઈ પણ લીધા હોય છે. મહત્વનું છે કે અંબાજીમાં ભાદરવી પૂનમે આપવામાં આવેલા પ્રસાદ વખતે પણ આવું જ થયું હતું. લાખો ભક્તોએ પ્રસાદનો લાભ લીધો તે બાદ રિપોર્ટ આવ્યો જેમાં ઘીના સેમ્પલ ફેઈલ થયા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ત્યારે આ વખતે આવું જ કંઈ થઈ શકે છે તેવું લાગી રહ્યું છે...!