દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક રાજ્યો માટે વરસાદને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી, હિમાચલ પ્રદેશ, પંજાબ સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે જેને કારણે પૂર જેવા દ્રશ્યો સર્જાયા છે. દિલ્હીમાં તો એટલો વરસાદ થઈ ગયો કે 41 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. એક જ દિવસમાં દિલ્હીમાં 153 મિમી વરસાદ વરસ્યો છે. આવો વરસાદ 1982માં વરસ્યો હતો.
દિલ્હીમાં તૂટ્યો અનેક વર્ષોનો રેકોર્ડ
ગુજરાતમાં તો મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે દેશના બીજા અનેક એવા રાજ્યો છે જ્યાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વિનાશકારી સાબિત થયો છે. પહાડી વિસ્તારોમાં તેમજ મેદાનોમાં જળપ્રલય જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દેશના અનેક રાજ્યો છે જ્યાં મૂશળાધાર વરસાદ થવાથી રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. રસ્તા પર તો પાણી ભરાયા છે પરંતુ ઘરોમાં પણ પાણી ઘૂસી આવ્યા છે. દિલ્હીમાં એટલો બદો વરરસાદ વરસ્યો કે અનેક વર્ષોના રેકોર્ડ એક જ દિવસમાં તૂટી ગયો છે. ભારે વરસાદને કારણે જન જીવન અસ્ત વ્યસ્ત થયું છે.
આ રાજ્યો માટે કરવામાં આવી છે વરસાદ માટે આગાહી
ભારેથી અતિભારે વરસી રહેલા વરસાદને કારણે રસ્તાઓ પર જાણે પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. પાણી રિતસર રસ્તાઓ પર સુસવાટા ભરી વહી રહ્યું છે. જો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અંગે વાત કરીએ તો આગામી પાંચ દિવસ અનેક રાજ્યો માટે ભારે છે. પંજાબ, હરિયાણા અને ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ થઈ શકે છે. તે ઉપરાંત રાજસ્થાન, ઉત્તરાખંડ, કોંકણ-મલબાર કોસ્ટ, કેરળ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, ગંગા-પશ્ચિમ બંગાળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, બિહાર, કેરળ, તમિલનાડુ માટે વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે.