વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. મોરબીમાં બનેલી દુર્ઘટના બાદ વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં ફેરફાર કરાયા હતા. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સરદાર પટેલને શ્રદ્ધાંજલી આપવા તેઓ કેવડિયા પહોંચ્યા હતા. કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજરી આપી હતી. વડાપ્રધાન મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલી અર્પી હતી.
હું એકતા નગરમાં છું, પણ મારું મન મોરબીના પીડિયો સાથે જોડાયેલું છે - પીએમ
સરદાર વલ્લ્ભભાઈ પટેલની આજે જન્મજયંતી છે. 31મી ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવામાં આવે છે. જેને કારણે કેવડિયા ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ મોરબીમાં બનેલી કરૂણાંતિકાને કારણે સાંસ્કૃતિક કાર્યક્રમને રદ્દ કરી દેવાયા છે. વડાપ્રધાને માત્ર પરેડમાં ભાગ લીધો હતો. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ આ ગોઝારી ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું, તેમણે કહ્યું કે હું ભલે કેવડિયામાં છું પરંતુ મારી સંવેદના મૃતકના પરિવાર સાથે છે.
પીએમએ લેવડાવ્યા રાષ્ટ્રીય એકતાના શપથ
પોતાના સંબોધન દરમિયાન તેમણે રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાયા હતા. વડાપ્રધાને કહ્યું હું સત્ય નિષ્ઠાથી શપથ લઉં છું કે હું રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષાને વધારવા માટે સ્વયંને સમર્પિત કરીશ અને પોતાના દેશવાસી વચ્ચે આ સંદેશ ફેલાવવાનો પણ પ્રયત્ન કરીશ. હું આ શપથ મારા દેશની એકતાની ભાવનાથી લઉં છું.