છેલ્લા ઘણા સમયથી ટામેટાના ભાવમા વધારો જોવા મળી રહ્યો છે. ટામેટાના ભાવમાં વધારો થવાથી લોકો ટામેટાના ઉપયોગને ટાળી રહ્યા છે. ન માત્ર ટામેટાના પરંતુ અનેક શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. ટામેટાએ તો લોકોને લાલ આંસુએ રોવડાવ્યા છે પરંતુ આવનાર સમયમાં ડુંગળીના ભાવ પણ તમને રડાવશે તેવું લાગી રહ્યું છે. વર્ષમાં ચોક્કસ સમય આવે જ છે જ્યારે ડુંગળીની અછત થવા લાગે છે અને ડુંગળીના ભાવ સોનાની લગડી જેવા થઈ જાય છે. આવનાર સમયમાં ડુંગળીના ભાવમાં ભડકો થઈ શકે છે તેવું લાગી રહ્યું છે.
હાલ 30 રુપિયાની આસપાસ મળતી ડુંગળી આવનાર સમયમાં બની શકે છે મોંઘી
કયા કારણોસર ડુંગળીના ભાવમાં વધારો થઈ શકે છે તેની વાત કરીએ તો ખરીફ પાકનું વાવેતર ઘટ્યું છે. ડુંગળીનું ખરીફ વાવેતર ઘટ્યું છે જેના કારણે આવતા મહિને ડુંગળીના ભાવ વધી જશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. હાલ બજારમાં ડુંગળીનો સરેરાશ ભાવ 30 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ બોલાય છે. પણ તે મહિના પછી ક્યાંય પહોંચી જશે. આપણે જાણીએ છીએ કે ચોમાસાની સીઝનમાં ક્યાંક અતિભારે વરસાદ તો ક્યાંક દૂષ્કાળ જેવી સ્થિતિને કારણે મોટાભાગની શાકભાજીના ભાવ ઘણા બધા વધી ગયા છે. આવી સ્થિતિમાં ડુંગળીના ભાવ વધતા લોકોને દાઝ્યા પર ડામ જેવી પરિસ્થિતિ સર્જાવાની છે.
આ કારણોસર બજારમાં સર્જાઈ શકે છે ડુંગળીની અછત
બજારમાં ડુંગળીની ચોમાસા પાકની સપ્લાય સપ્ટેમ્બરની જગ્યાએ ઓગસ્ટ મહિનામાં જ ઘટવા લાગે તેવી સંભાવનાઓ છે. અને આ ડુંગળી પોતાનો ભાવ વધારવાની છે. આવું એટલા માટે થયું કારણ કે ઠંડીનો પાક વહેલા પાકી ગયો હતો. પછી ઉનાળા બાદ ચોમાસું આવી ગયું. એટલે થયું એવું કે ડુંગળી ચાર કે પાંચ મહિના જ સારી રહેવાની હતી પછી ડુંગળી બગડી જવાની હતી, ડુંગળી બગડી જવાના ડરથી જેની પાસે ડુંગળીનો જથ્થો હતો તે ખેડૂતો ડુંગળી વેચવા લાગ્યા જેના કારણે આ પરિસ્થિતિ સર્જાવાની છે. ઓગસ્ટ સપ્ટેમ્બર પૂરા થશે પછી ઓક્ટોબરમાં ચોમાસા પાકની આવક શરૂ થવાની છે ત્યાં સુધી ડુંગળીના ભાવ વધારે રહેવાના છે પછી જ ડુંગળીના પુરવઠામાં સુધારો થશે અને ડુંગળીના ભાવ ઘટવા લાગશે. એટલે કે બે મહિના હજુ ડુંગળીના ભાવ વધારે રહેવાના છે. અત્યારની વાત કરીએ તો ડુંગળીનો જથ્થાબંધ ભાવ બે મહિનામાં 400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધી ગયો છે. બે મહિના પહેલા ડુંગળીનો પ્રતિ ક્વિન્ટલ ભાવ ખાલી 950 રૂપિયા હતો.
ભાવને કંટ્રોલ કરવા માટે સરકાર ડુંગળીના જથ્થાને બહાર લાવશે
હવે થવાનું છે એવું કે જેવો ભાવ વધવાનો છે એટલે ભાવને માપમાં રાખવા માટે સરકાર ડુંગળીને બજારમાં ઉતારશે. પોતાનો સાચવેલો જથ્થો સરકાર આ સમયમાં બજારમાં વેચી દેવાનો છે જેથી બજારમાં ડુંગળીનો ભાવ બહુ વધારે ન વધે. સરકાર પાસે કેટલી ડુંગળી છે તેની વાત કરીએ તો સરકાર પાસે હાલ 25 લાખ ટન ડુંગળી છે. અગાઉના વર્ષથી આ વર્ષે ડુંગળી પાંચ લાખ ટન વધારે છે. હવે ડુંગળીનું થોડું સામાન્ય ગણિત સમજી લઈએ. જો ડુંગળીમાં ઇન્ફ્લેશન રેટ – જે સપ્ટેમ્બર 2021 થી નકારાત્મક હતો, તે જૂન 2023માં વધીને 1.65 ટકાના સ્તરે પહોંચ્યો. ડુંગળીના મોંઘવારી દરમાં વધારો એ તેના બજારમાં ભાવ વધવાના છે અથવા વધ્યા છે તેવું દેખાડે છે. અત્યારે દેશભરના સરેરાશ ડુંગળીનો ભાવ લગભગ 30 રૂપિયા પ્રતિ કિલોની હશે.
2022-23માં 25 લાખ ટન ડુંગળીની નિકાસ થઈ હતી
વર્ષ 2021ની શરૂઆતથી સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો નથી. ભારતે વર્ષ 2022-23માં રેકોર્ડ 25 લાખ ટન ડુંગળીની નિકાસ કરી હતી, જે તેની અગાઉના નાણાકીય વર્ષ કરતા 65 ટકા વધારે છે. ભારત વિશ્વમાં ડુંગળીનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને દેશના કુલ ઉત્પાદનમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક અને ગુજરાત 70 ટકાથી વધારે યોગદાન આપે છે. એક બીજો પાસો પણ એ છે કે જેમ ટામેટાને કારણે ખેડૂતોને ફાયદો થયો હતો તેમ ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતોને પણ ભાવ વધવાથી, ડિમાન્ડ વધવાથી ફાયદો થઈ શકે છે.