ઓઈલ એન્ડ પેટ્રોલિયમ કંપની દ્વારા સામાન્ય લોકોને કોઈ ગિફ્ટ મળશે તેવી આશા હતી. પેટ્રોલ તેમજ ડિઝલના ભાવમાં ઘટાડો થશે અને સામાન્ય માણસના ખિસ્સા પરનું ભારણ ઓછું થશે તેવું લાગતું હતું. ખેર એ વાત ઉપર ચર્ચા નથી કરવી, આજે વાત કરવી છે ગેસ સિલિન્ડરના ભાવમાં કરાયેલા ઘટાડા અંગેની.. સામાન્ય રીતે માનવામાં આવે છે કે ચૂંટણીનો સમય હોય ત્યારે સિલિન્ડરના ભાવ ઘટાડાય છે, અને ચૂંટણી પૂર્ણ થતા જ ફરી એક વખત ભાવમાં વધારો કરાય છે. ત્યારે LPGના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 1.50 રુપિયાનો ઘટાડો કર્યો છે.
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં કરાયો ઘટાડો
2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી આવવાની હોય ત્યારે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવો સ્વભાવિક હોય છે. અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થાય છે પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાવમાં તોતિંગ વધારો થાય છે. મુખ્યત્વે જ્યારે ભાવમાં ઘટાડો કરવામાં આવતો હોય છે ત્યારે તેનો અમલ ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં નહીં પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે કરાતો હોય છે. આ વખતે પણ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો પરંતુ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં. આ વખતે જેટલાનો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે તેની કિંમત જોઈને કદાચ તમને હસવું આવશે. કારણ કે નવા વર્ષમાં ગેસ સિલિન્ડરના ભાવમાં પૂરા 1.50 રુપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
1.50 રુપિયાનો કરાયો ભાવ ઘટાડો!
મળતી માહિતી અનુસાર આ ભાવ ઘટાડો થતા દિલ્હીમાં 19 કિલોનું કોમર્શિયલ સિલિન્ડર 1755.50 રૂપિયામાં મળશે. પહેલા તે 1757.00 રૂપિયા હતો. આજે તે માત્ર 1.50 રૂપિયા સસ્તું થયું છે. તેવી જ રીતે, કોલકાતામાં આ સિલિન્ડરની કિંમત 1869.00 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ ડિસેમ્બરમાં તે રૂ. 1868.50 હતો. જેમાં આજે 50 પૈસાનો વધારો થયો છે. કોમર્શિયલ સિલિન્ડર જે મુંબઈમાં 1710 રૂપિયામાં મળતું હતું તે આજથી 1708.50 રૂપિયામાં ઉપલબ્ધ થશે. ચેન્નાઈમાં તે હવે 1929 રૂપિયાના બદલે 1924.50 રૂપિયામાં વેચાશે. મહત્વનું છે કે 22 ડિસેમ્બરે જ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.
સામાન્ય માણસને ક્યારે મળશે મોંઘવારીથી રાહત?
એક તરફ સામાન્ય લોકો મોંઘવારીથી ત્રસ્ત છે. મોંઘવારીને કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. એક તરફ શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ કોઈ રાહત નથી આપવામાં આવતી. સારા દિવસો ક્યારે આવશે તેની રાહ સામાન્ય લોકો ક્યારના જોઈ રહ્યા છે!