ગટરના ગંદા પાણીની ડોલ મામલતદાર સામે ફેંકાઈ
થાનગઢ નગરપાલિકા વિસ્તારમાં રહેતા લોકોએ સફાઈ અને ગટરના પ્રશ્નો મામલે અનેકવાર જવાબદાર વ્યક્તિઓને રજૂઆત કરી છે. પરંતુ એકપણ વાર તેમની રજૂઆતને સ્થાનિક નેતાઓ કે અધિકારીઓએ સાંભળી નહોતી અને ગટરના ગંધ મારતા પાણીની સાફ સફાઈની વ્યવસ્થા કરી ન હતી. રોજની સમસ્યાથી કંટાળીને લોકો તે જ કચરાની ડોલ લઈને મામલતદાર કચેરી પહોંચી ગયા હતા. તેમણે મામલતદારને કહ્યું હતું કે, "અમે અનેકવાર સફાઈ અને ગટરની સમસ્યાની રજૂઆત કરી છે પણ કોઈ કામગીરી નથી થઈ". રજૂઆત દરમિયાન લોકોની ધીરજ ખૂટી હતી અને કચરાની ભરેલી ડોલ મામલતદાર કચેરીમાં ઠાલવી દીધી હતી.
મામલતદાર અને લોકો વચ્ચે થઈ ગઈ બબાલ
સુરેન્દ્રનગરની થાનગઢ નગરપાલિકાના વોર્ડ નંબર બે અને વોર્ડ નંબર ત્રણમાં કચરાની અને ગટરની ઘણી તકલીફ છે. લોકોએ અનેકવાર તંત્ર અને સ્થાનિક નેતાઓને રજૂઆત કરી છે છતાં પણ તેમણે કોઈ રજૂઆત ધ્યાને નહોતી લીધી. છેલ્લે વિવાદનો અંત લાવવા લોકોએ ખેડૂત નેતા રાજુ કરપડાની આગેવાનીમાં મામલતદાર સામે અનોખો વિરોધ કર્યો હતો. જે ગટરના ગંદા પાણીથી અને કચરાથી લોકોને તકલીફ હતી તેનો નમુનો લઈ બધા મામલતદાર કચેરી ખાતે મામલતદાર સામે રજૂ થયા હતા અને પોતાની તકલીફ જણાવી હતી. રજૂઆત દરમિયાન મામલતદારે માન્યું હતું કે સાફ સફાઈ નથી થઈ અને ગટરનો પ્રશ્ન છે. આ દરમિયાન લોકો અને મામલતદાર વચ્ચે બોલા ચાલી થઈ ગઈ હતી અને કંઈક આવો માહોલ થઈ ગયો હતો.
રાજુ કરપડાની પોલીસે અટકાયત કરી
મામલતદારે બાહેંધરી આપી બધાને રવાના કર્યા હતા પરંતુ પછીથી પોલીસ આવી હતી અને રાજુ કરપડાને પકડીને પોલીસ થાણે લઈ ગઈ હતી. સામાન્ય લોકો જાણે છે કે તેમને સરકારી અધિકારી સાથે આવી રીતે વર્તન ન કરવું જોઈએ. તેમને શાંતિથી પોતાની રજૂઆત કરવી જોઈએ અને એટલા માટે જ તેમણે શાંતિથી અગાઉ અનેકવાર રજૂઆત કરી હતી. પરંતુ સ્વર્ણિમ ગુજરાતની જનતા ગંધ મારતી ગટરમાં કેટલો સમય રહી શકે ક્યારેક તો તેમને પારો છટકે જ, અને પરિણામ આવા આવે છે. મામલતદારે દોઢ મહિનાની અંદર સમસ્યાનું નિવારણ થશે એવી બાહેંધરી આપી છે હવે દોઢ મહિના ક્યારે થશે એ જોવાનું રહેશે.