રાજ્યના અનેક રસ્તાઓ એવા હોય છે જ્યાં ખાડાનું સામ્રાજ્ય જોવા મળતું હોય છે. પરંતુ રાજ્યના અનેક ગામડાઓ એવા હોય છે જ્યાં તો રસ્તા જ નથી હોતા. સમગ્ર દેશમાં આઝાદીના અમૃતકાળની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અનેક ગામડાઓ સારા રસ્તા અથવા તો માત્ર રસ્તા માટે,આટલા વર્ષો બાદ પણ વલખા મારવા પડે છે. રસ્તો બનશે તેવી આશાએ સ્થાનિકો આટલા વર્ષો સુધી બેસી રહ્યા પરંતુ આખરે નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોહબી ગામના સ્થાનિકોએ જાતમહેનત પર વિશ્વાસ રાખ્યો હતો અને જાતે જ રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરી હતી. મોહબી ગામમાં રહેતા સ્થાનિકોએ બે કિમીનો રસ્તો ડુંગર ખોદી બનાવવાની કામગીરી કરી હતી.
ગામના લોકોએ જાતમહેનતને માની સર્વોપરી!
રસ્તાની સમસ્યા એક મોટો પ્રશ્ન બની ગઈ છે. અનેક રસ્તાઓ એવા હોય છે જ્યાં ખાડાઓનું રાજ જોવા મળતું હોય છે. રસ્તા સારા બને તેની જવાબદારી સરકારની હોય છે. સારા રસ્તાઓના દાવા સરકાર દ્વારા અનેક વખત કરવામાં આવતા હોય છે. પરંતુ આજે પણ એવા અનેક અંતરિયાળ ગામડાઓ છે જ્યાં રસ્તાઓ જ નથી તો સારા રસ્તાઓની આશા ક્યાંથી રાખી શકાય? ત્યારે નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોહબી ગામના લોકોએ જાતમહેનતને સર્વોપરી માની છે. રોજિંદા વ્યવહાર માટે રસ્તો ન હોવાને કારણે અવર-જવર માટે સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. ચોમાસામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
ડુંગર ખોદી સ્થાનિકોએ બનાવ્યો રસ્તો!
ચોમાસા દરમિયાન સારા રસ્તા ન હોવાને કારણે સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે સ્થાનિકોએ રસ્તાનું નિર્માણ કાર્યનો પ્રારંભ પોતે કરી લીધો છે. મોહબી ગામના પટેલ ફળિયામાં રહેતા લોકોએ ડુંગર ખોધી બે કિમીનો રસ્તો બનાવ્યો છે. પાવડા, ત્રિકમની મદદથી પોતાના ફળિયા સુધીનો બે કિમીનો રસ્તો ડુંગર ખોદી બનાવ્યો છે. ચોમાસા દરમિયાન પગદંડી તેમજ ડુંગર પર થઈને રસ્તો પસાર કરવો પડે છે.
ક્યાં સુધી અંતરિયાળ વિસ્તારના લોકો સારા રસ્તા માટે વલખા મારશે?
તંત્ર સુધી સ્થાનિકોનો અવાજ પહોંચ્યો ન હતો. ત્યારે સ્થાનિકોની તકલીફ ભલે સરકાર ન સમજતી હોય પરંતુ ત્યાં રહેતા સ્થાનિકો તો સમજે જ છે. જેને લઈ સ્થાનિકો એ જ જાતે રસ્તાઓ બનાવવાની કામગીરી હાથ ધરી હતી. 35 જેટલા લોકોએ પોતે જ ડુંગર ખોદી રસ્તો બનાવવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે તંત્રના ધ્યાને આ તકલીફ પહોંચે તેમના માટે પાકો રસ્તો બનાવે તેવી માગ ગ્રામજનો કરી રહ્યા છે. એક તરફ સરકાર વિકાસની વાતો કરે છે તો બીજી તરફ આવા દ્રશ્યો સરકારના દાવાને ખોટા સાબિત કરે છે. આટલા વર્ષો બાદ પણ જો સરકાર પ્રાથમિક સુવિધાઓ ગામડાઓ સુધી નથી પહોંચાડી શક્તી તે વાત દુખની છે.