ગુજરાતમાં એક તરફ દુ:ખનો માહોલ છે, તો બીજી તરફ બીજાને રાજનીતિ ન કરવાની સલાહ આપનાર આમ આદમી પાર્ટીએ ગમગીન માહોલ વચ્ચે રાજનીતિની શરૂઆત કરી છે. આમ આદમી પાર્ટીએ 8મું લિસ્ટ જાહેર કર્યું છે. ઉમેદવારોના નામ જાહેર કર્યા એનો વાંધો નથી પરંતુ એવા સમયે જાહેર કર્યા જ્યારે આખું ગુજરાત શોકગ્રસ્ત છે. મોરબીમાં બનેલી દુર્ઘટના બાદ ગુજરાત થંભી ગયું છે. ત્યારે એવી તો કેવી ઉતાવળ આમ આદમી પાર્ટીને આવી ગઈ કે આવા માહોલ વચ્ચે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા. આ સમયે ઉમેદવારોના નામ જાહેર કરી આમ આદમી પાર્ટી શું સંદેશ આપવા માગે છે.
શોકના સમયે આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા ઉમેદવારોના નામ
ગુજરાતમાં ચૂંટણીને લઈ તૈયારી થઈ રહી છે. ચૂંટણીની તારીખોની રાહ જોવાઈ રહી છે. ત્યારે ગુજરાતમાં એક એવી ઘટના બની છે જેણે ગુજરાતને હચમચાવી નાખી છે. આ ઘટનાને પગલે તમામ રાજકીય પક્ષોએ પોતાનો ચૂંટણી પ્રચાર એક દિવસ માટે સ્થગિત રાખ્યો હતો. એ ઘટનાને હજી બે દિવસ પણ નથી થયા ત્યારે આમ આદમી પાર્ટી આ દુર્ઘટનાને ભૂલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. શોકના માહોલ વચ્ચે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના નામ જાહેર કરી રાજનીતિ શરૂ કરી દીધી છે.
મોરબીની ઘટના બની તે બાદ જ્યારે આપના નેતાઓ સાથે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે આ સમય રાજનીતિ કરવાનો નથી. મોરબીની પ્રજાના પડખે રહેવાનો આ સમય છે. આપે તમામ કાર્યકર્તાઓને રાહત કાર્યમાં મદદ કરવા સૂચના પણ આપી દીધી હતી. આ વાતને અમે વખાણીએ છીએ પરંતુ ઘટનાને હજી અઠવાડિયું પણ નથી થયું. રેસ્કયુ ઓપરેશન ચાલી રહ્યું છે તેવા સમયે આપ દ્વારા કરવામાં આવેલ આ કૃત્યનો અમે વિરોધ કરીએ છીએ.
આપના ઉમેદવારો પણ માને છે કે થોડા સમય પછી લિસ્ટ જાહેર કરવા જેવું હતું
આ ઘટના પર રાજનીતિ ન કરવી જોઈએ એવું કહેનાર પાર્ટીએ જ પોતાની વાતનું ઉલ્લંઘન કર્યું છે. જે ઉમેદવારોના નામ એક-બે દિવસ બાદ જાહેર કર્યા હોત તો કંઈ ફરક નતો પડવાનો. આવા સમયે ઉમેદવારોના નામ જાહેર કરી રાજનીતિ કરવી કેટલી યોગ્ય છે. જો આવા સમયે ભાજપ અથવા કોંગ્રેસમાંથી કોઈએ પણ લિસ્ટ જાહેર કર્યું હોત તો શું આમ આદમી પાર્ટી બીજી પાર્ટીને સલાહ ન આપી હોત. અમે તો માનીયે છીએ પણ આપના ઉમેદવારો પણ માને છે કે આવા સમયે ઉમેદવારોનું લિસ્ટ જાહેર નતું કરવા જેવું.