અમેરિકાની કંપની હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. કંપનીને કરોડો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે તે ઉપરાંત શેરોના ભાવમાં કડાકો જોવા મળ્યો હતો જેને કારણે અદાણીની સંપત્તિનું ધોવાણ થઈ રહ્યું છે. ત્યારે અદાણી મુદ્દો સંસદમાં પહોંચ્યો હતો. સંસદમાં ચર્ચા થઈ હતી જેમાં ભારે હંગામો થયો હતો. વિપક્ષ દ્વારા આને લઈ હોબાળો કરવામાં આવ્યો હતો. સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. સોમવારે ફરીથી સંસદમાં કાર્યવાહીનો પ્રારંભ થશે. તે બધા વચ્ચે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવવાનું છે.
હોબાળો થતાં કાર્યવાહી કરાઈ હતી સ્થગિત
અદાણી જૂથને હિંડનબર્ગને લઈ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વિપક્ષ દ્વારા અદાણીનો મામલો સંસદમાં ઉઠાવામાં આવ્યો હતો. વિપક્ષી દળોએ આ મામલે તપાસ કરવાની માગ કરી છે. આ તપાસ સંયુક્ત સંસદીય સમિતિ અથવા તો સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ થાય તેવી માગ છે. હોબાળાને કારણે સંસદની કાર્યવાહી શુક્રવારથી સ્થગિત કરવામાં આવી હતી અને આજે ફરી એક વખત સંસદમાં સત્ર યોજાઈ રહ્યું છે.
આખા દેશમાં કોંગ્રેસ કરશે વિરોધ પ્રદર્શન
અદાણી મુદ્દાને લઈ સરકારને ઘેરવાનો પ્રયત્ન વિપક્ષ દ્વારા કરવામાં આવશે. તે માટે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ વિપક્ષ નેતાઓની બેઠક પણ બોલાવી છે. અદાણીમાં સરકારી કંપની LIC તેમજ SBI દ્વારા પણ નિવેશ કરવામાં આવ્યું છે. તેને લઈ કોંગ્રેસ પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત એલઆઈસી તેમજ એસબીઆઈની ઓફિસ આગળ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવશે. કોંગ્રેસ સિવાય અનેક પક્ષો અદાણી મામલે તપાસની માગ કરી રહી છે.