ગુજરાતમાં અનેક એવા લોકો હશે જે વિદેશ જવાની ઈચ્છા રાખતા હોય છે અને આ જ વિદેશ જવાની ઈચ્છા તેમને કોઈક દિવસ તેમને મોંઘી પણ પડતી હોય છે અનેક વખત લોકો વિદેશ જવાની લાલચમાં આવી અને લાખો રૂપિયા ગુમાવતા હોય છે ત્યારે આવી જ કઈક ઘટના મહેસાણાના ખેરાલુમાં બની છે.50 લાખમાં અમેરિકા મોકલવાની લાલચ આપી કબૂતરબાજોએ 5 લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાનો મામલો સામે આવ્યો છે વિદેશ જવાની ઈચ્છા રાખતા લોકો માટે વધુ એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે
મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુ તાલુકાના અમરપરા ચાડા ખાતે રહેતા ખેડૂતને બે કબૂતરબાજોએ છેતરી નાખ્યો. અમેરિકા જવાની લાલચમાં ખેતીકામ અને પશુપાલન કરતા પિયુષ ભાઈ ચૌધરીને પાંચ લાખ રૂપિયાનો ચૂનો લાગ્યો છે જેની ફરિયાદ ખેરાલુ પોલીસ મથકે આવી છે
કબૂતરબાજોએ વિશ્વાસઘાત કર્યો
સોના ચાંદીનો વ્યાપર કરતા સોની ભાવેશ હસમુખભાઈ નામનો વ્યાપરી પાસેથી પિયુષ ચૌધરી દાગીના અનેકવાર લેવા જતા હોવાથી દુકાનદાર અને ખેડૂત યુવક વચ્ચે વિશ્વાસના ગાઢ સંબંધ બંધાયા હતા.બાદમાં સોની ભાવેશે વિદેશ જવાનું હોય તો કહેજો હું કરાવી આપીશ એમ કહી ફરિયાદી સાથે વાત કરતા ફરિયાદી એ વિદેશ જવાની તૈયારી બતાવી હતી.એ દરમિયાન સોની ભાવેશ ફરિયાદીને કહ્યું કે વડગામ ખાતે રહેતો મારો સંબંધી સોની મનીષ નરોત્તમભાઈ વિદેશ જવા માટે પાસપોર્ટ વિઝા તૈયાર કરી આપી ત્રણ વર્ષ માટે મોકલી આપશે તેવી બાંહેધરી સોની ભાવેશ ફરિયાદી ને આપી હતી.
પહેલા 10 લાખ અને અમેરિકા ઉતર્યા પછી 40 લાખ
મહેસાણા આસપાસ આવા છેતરપિંડીના ઢગલાબંધ કિસ્સાઓ સામે આવી રહ્યા છે છતાં વિદેશ જવાનો મોહ ગુજરાતીઓને છૂટતો ન હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જેમાં ફરીએકવાર વિદેશ જવાનો મોહ ખેડૂતને ભારે પડ્યો છે ખેડૂત અને કબૂતરબાજો વચ્ચે અમેરિકા જવા માટે 50 લાખમાં સોદો થયો હતો જેમાં 10 લાખ રૂપિયા એડવાન્સ અને 40 લાખ રૂપિયા અમેરિકા ઉતર્યા પછી આપવાના હતા
તાત્કાલિક પાસપોર્ટ કાઢી આપવાની લાલચ આપી પિયુષ ભાઈને અમદાવાદ બોલાવવામાં આવ્યા હતા અને વાયદાઓ કરવામાં આવ્યા હતા કે પાસપોર્ટ આવી જાય પછી તમને તરત ટિકિટ આપી દઈશું પરંતુ જેમ જેમ સમય આગળ વધ્યો તેમ બંને કબુતરીબાજો દ્વારા પિયુષ ભાઈને સરખો જવાબ ન મળતા પિયુષ ભાઈને છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો જેની ફરિયાદ પિયુષ ભાઈ દ્વારા ખેરાલુ પોલીસ મથકે આપવામાં આવી જોકે આ બધી બાબતે પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે