બાળક શાળામાં ઘર જેટલો સમય વિતાવતા હોય છે. શાળામાં બાળકના ભવિષ્યનું ઘડતર થાય છે. ગુરૂને બીજી માનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ અનેક વખત શાળાઓથી અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં વિદ્યાર્થીઓ પર જુલમ કરવામાં આવતો હોય છે. નાના ફૂલ જેવા બાળકોને માર મારવામાં આવતો હોય છે. ત્યારે અમદાવાદની એક શાળાથી કિસ્સો સામે આવ્યો છે જેમાં 5 વર્ષના બાળક પર શિક્ષકે હાથ ઉપાડ્યો છે. વિદ્યાર્થીના માતા-પિતાનો આક્ષેપ છે કે શિક્ષકે બાળકને એટલા માટે માર્યું કે તેને વાંચતા નતું આવડતું! એવી પણ માહિતી સામે આવી છે જેમાં બાળકના શરીર પર ઈજાઓ જોવા મળી છે.
બાળકને માર માર્યા હોવાનો વાલીઓનો આક્ષેપ
અમે જે ઘટનાની વાત કરી રહ્યા છીએ તે ઘટના અમદાવાદના ચાંદલોડિયામાં આવેલી શાળાની છે. શક્તિ વિદ્યાલયમાં સિનિયર કે.જીમાં ભણતા પાંચ વર્ષના બાળક પર શિક્ષકે હાથ ઉપાડ્યો છે. માતા પિતાનો એવો આક્ષેપ છે કે બાળકને શિક્ષકે માર્યો છે, બાળકના શરીર પર પણ ઈજાઓ દેખાય છે. મહત્વનું છે કે આ અંગેની જાણ થતાં શિક્ષક વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલે વધુ તપાસ કરવામાં આવશે તેવી જાણકારી સામે આવી રહી છે.
શિક્ષક દ્વારા મારવામાં આવેલો માર બન્યો ચર્ચાનો વિષય
એક તરફ શિક્ષકોના એવા વીડિયો સામે આવતા હોય છે જેમાં વિદ્યાર્થીઓને ભણવામાં રૂચિ જાગે તેવી રીતે ભણાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. સરળ રીતે, અનોખા અંદાજમાં વિદ્યાર્થીઓને ભણાવતા હોય છે તો બીજા તરફ આવા શિક્ષકો પણ હોય છે જે બાળકો પર હાથ ઉપાડતા હોય છે. સત્ય શું છે તે તો આવનાર દિવસોમાં સામે આવશે પરંતુ શિક્ષકે નાના બાળક પર હાથ ઉપાડ્યો છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. માની પણ લઈએ કે બાળકે કોઈ ભૂલ કરી હશે, પરંતુ બાળક પર અત્યાચાર કરવો, બાળકને માર મારવાનો અધિકાર કોઈને નથી..