હાલ સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સંસદમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવતી હોય છે. ત્યારે હાલ સૌથી મહત્વનો અને સૌથી ચર્ચિત મુદ્દો હોય તો તે છે મણિપુરમાં ભડકી રહેલી હિંસા.સંસદમાં જ્યારે જ્યારે પણ મણિપુરનો મુદ્દો ઉઠે છે ત્યારે ત્યારે હોબાળો થાય છે અને અંતે સંસદની કાર્યવાહીને સ્થગિત કરી દેવી પડે છે. સૂત્રોચ્ચાર થાય છે નારા લાગે છે પરંતુ મણિપુર મુદ્દે ચર્ચા નથી થતી. પીએમ મોદી મણિપુર મુદ્દે કંઈ બોલે તેવી વિપક્ષોની માગ છે, ત્યારે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવને મંજૂરી મળી જઈ છે.
સંસદમાં મણિપુર મુદ્દે હંમેશા થાય છે હોબાળો
મણિપુરમાં ભડકેલી હિંસા મુદ્દે વિપક્ષ એકદમ આક્રામક દેખાઈ રહ્યું છે. હિંસા પર જલ્દી નિયંત્રણ લાવવામાં આવે તેવા તેમના પ્રયાસો છે. INDIAના 21 સાંસદોએ મણિપુરની મુલાકાત લીધી હતી અને ત્યાંની પરિસ્થિતિ કેવી છે તે અંગે રિપોર્ટ તૈયાર કર્યો છે. સંસદમાં મણિપુર મુદ્દે ચર્ચા થાય તે માટે સરકાર છે તેવા અનેક વખત નિવેદનો કેન્દ્રીય મંત્રીઓ દ્વારા આપવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા પિયુષ ગોયલે કહ્યું હતું કે સરકાર વાતચીત કરવા તૈયાર છે પરંતુ વિપક્ષ તૈયાર નથી. પ્રશ્ન છે કે જો સરકાર પણ ચર્ચા કરવા માટે તૈયાર છે, વિપક્ષ પણ ચર્ચા માટે તૈયાર છે તો મણિપુર મુદ્દે સંસદમાં ચર્ચા કેમ નથી થતી?
રાષ્ટ્રપતિ સાથે આજે સાંસદો કરશે બેઠક!
આ બધા વચ્ચે, INDIAના સાંસદો રાષ્ટ્રપતિ સાથે આજે 11.30 વાગ્યે બેઠક કરવાના છે. મણિપુરની સ્થિતિ અંગે રાષ્ટ્રપતિને જણાવવામાં આવશે, જે સાંસદોએ મણિપુરની મુલાકાત લીધી હતી તેમના અનુભવ પ્રેસિડન્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ અંગેની જાણકારી કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આપવામાં આવી છે.