બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે વાવાઝોડું આવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે વાવાઝોડાને લઈ ચેતવણી જાહેર કરી છે. બંગાળની ખાડી પર સર્જાયેલું ચક્રવાત ખૂબ જ ગંભીર રૂપ ધારણ કરી શકે છે. પવનની ઝડપ 130 કિલોમીટર પ્રતિકલાકની રહી શકે છે. મોચા ચક્રવાતને કારણે અનેક રાજ્યોના વાતાવરણમાં ફેરફાર થયો છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશ માટે પણ એલર્ટ જાહેર કર્યું છે.
આ રાજ્યો માટે એલર્ટ કરાયું જાહેર!
દેશના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે ચક્રવાતની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મોચા ચક્રવાતને લઈ અનેક રાજ્યો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ચક્રવાતને લઈ નાના દરિયાઈ જહાજો અને માછીમારોને મંગળવારથી બહાર ન નીકળા જણાવ્યું હતું. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ,ઓડિશા અને આંધ્રપ્રદેશ માટે પણ એલર્ટ જાહેર કર્યું છે. 12 મેની આસપાસ આ ચક્રવાત બાંગ્લાદેશ અને મ્યાંમાર તરફ આગળ વધશે તેવી આગાહી કરવામાં આવી છે.
આ રાજ્યોમાં વહી શકે છે ભારે પવન!
મોચા વાવાઝોડાને લઈ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે ચક્રવાતથી ડરવાની જરૂર નથી. જો કોઈ મુશ્કેલ પરિસ્થિતિ ઉભી થશે તો દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોને બચાવી લેવામાં આવશે. વાવાઝોડાને કારણે અનેક રાજ્યોમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે દક્ષિણ બંગાળની ખાડી અને નિકોબાર ટાપુઓ અને દક્ષિણ મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, તમિલનાડુમાં વાવાઝોડાને કારણે ભારે પવન વહી શકે છે. તે ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ પણ થઈ શકે છે. તે સિવાય દિલ્હી, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશમાં પણ ચક્રવાતને કારણે ભારે વરસાદની સંભાવના છે.
જૂન મહિનામાં બેસશે ચોમાસું!
મહત્વનું છે કે ઉનાળાના સમય દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં અનેક વખત કમોસમી વરસાદ વરસ્યો હતો. ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ થતાં તાપમાનનો પારો નીચે રહેતો હતો. ગરમીનો અહેસાસ ઓછો થતો હોય છે. ત્યારે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે 15 મે પછી તાપમાનનો પારો વધશે અને ગરમીનો અહેસાસ થશે. જૂન મહિનામાં ચોમાસાનો વરસાદ શરૂ થશે.