ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ દરેક પાર્ટી પોતાના ઉમેદવારને લઈ મનોમંથન કરી રહી છે. આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત કરવાની શરૂ કરી દીધી છે. જ્યારે ભાજપ કોને ટિકિટ આપે, તે માટે પાર્ટીમાં મનોમંથન ચાલી રહ્યું છે. એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આજે ઉમેદવારોના નામની પ્રથમ યાદી ભાજપ દ્વારા જાહેર કરી દેશે.
ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરશે
ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે મુખ્યમંત્રી તેમજ સી.આર.પાટીલ દિલ્હી ગયા હતા. જ્યાં બેઠક કરી ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. ઉમેદવારોના નામ પર અંતિમ મોહર હાઈ કમાન્ડ દ્વારા લગાડવામાં આવી છે. જ્યારથી ચૂંટણીની તારીખ જાહેર થઈ છે ત્યારે ભાજપ કોને ટિકિટ આપશે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે આજના દિવસમાં ભાજપ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દેશે.
અનેક દિગ્ગજ નેતાઓ નથી લડવાના ચૂંટણી
ટિકિટ ફાળવણી પહેલા ભાજપના અનેક નેતાઓએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દીધી છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ નાયબમુખ્યમંત્રી સહિત અનેક દિગ્ગજ નેતાઓના નામ છે. એવું ચર્ચાઈ રહ્યું છે ભાજપ આ વખતે નવા ચહેરાને ચૂંટણી મેદાનમાં ઉતારશે. ત્યારે નવા ઉમેદવારો ભાજપને જીતાડવામાં સફળ થશે કે કેમ તે 8 ડિસેમ્બરે ખબર પડશે.