મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીને સુરતની નીચલી કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી હતી. બે વર્ષની સજા મળવાને કારણે તેમની સાંસદ તરીકેની સદસ્યતા રદ્દ થઈ ગઈ હતી. નીચલી કોર્ટના આદેશને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. પરંતુ ગુજરાત હાઈકોર્ટની બેન્ચે રાહુલ ગાંધીને મળેલી સજાને યથાવત રાખી હતી. જસ્ટિસ પ્રચ્છક અને તેમની બેન્ચે રાહુલ ગાંધીની સજા પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો હતો. જેને લઈ સુપ્રીમ કોર્ટના દ્વાર રાહુલ ગાંધીએ ખખડાવ્યા હતા. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને રાહત આપવામાં આવી હતી. તેમની સજા પર રોક લગાવી દીધી હતી. ત્યારે રાહુલ ગાંધીની સજાને યથાવત રાખનાર જજની બદલી માટે ભલામણ કરવામાં આવી છે.
જજોની બદલી કરવા સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કરી ભલામણ
ગુરૂવારે સુપ્રીમ કોર્ટ કોલેજિયમે અનેક ફેરફાર કર્યા છે, અનેક જજોની બદલી કરાઈ હતી. ગુજરાત હાઈકોર્ટના ચાર જસ્ટિસની બદલીની ભલામણ કરી છે. તેમાં જસ્ટિસ હેમંત એમ પ્રચ્છકનું નામ પણ સામેલ છે. કૉલેજિયમે પ્રચ્છકની બદલી પટના હાઈકોર્ટમાં કરાઈ છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી કૉલેજિયમે આ જજોની બદલી કરી છે.
ગુજરાતના ચાર જજોની કરાઈ બદલી!
આ અંગે મળતી માહિતી અનુસાર ઇલાહાબાદ હાઇકોર્ટ ન્યાયાલયના જજ વિવેક કુમાર સિંહની બદલી મદ્રાસ ઉચ્ચન્યાયાલ કરવામાં આવી છે. જસ્ટીશ પ્રકાશ પાંડિયાને ઝારખંડ, જસ્ટીશ એસપી કેસરવાનીને કોલકત્તા અને ન્યાયમૂર્તિ રાજેન્દ્ર કુમાર IVને મધ્ય પ્રદેશમાં બદલી કરવાની ભલામણ કરી છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિશ અલ્પેશ વાય કોગ્ઝેને ઇલાહાબાદ મોકલવાની ભલામણ કરવામાં આવી છે જ્યારે જસ્ટીશ કુમારી ગીતા ગોપી મદ્રાસ, જસ્ટિસ હેમંત એમ પ્રચ્છક પટના અને જસ્ટીસ સમીર જે દવે રાજસ્થાન જશે.