શત્રુંજય મહાતીર્થનો મુદ્દો દિવસેને દિવસે વધી રહ્યો છે. જૈનોની આસ્થાના પ્રતિક સમાન ગણાતા શત્રુંજય મહાતીર્થને બચાવવા જૈન સમાજ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે. ગઈકાલે અમદાવાદ, સૂરત ખાતે જૈન સમાજના લોકોએ રેલી કાઢી હતી. આજે રાજ્યના અન્ય શહેરોમાં આકરોષ રેલી કાઢવામાં આવી હતી. આજે રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં જૈન સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી.
રાજકોટ ખાતે પણ કરાયું ભવ્ય રેલીનું આયોજન
રાજકોટ ખાતે જૈન સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં મણિયાર દેરાસર ખાતેથી કલેક્ટર કચેરી સુધી આ રેલી નિકાળવામાં આવી હતી અને કલેક્ટર કચેરી ખાતે ગઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો આવ્યા હતા. શત્રુંજય મહાતીર્થને લઈને તો તેઓ વિરોધ કરી રહ્યા છે પરંતુ સમેત શિખરને લઈને પણ વિરોધ કરી રહ્યા છે. સમેત શિખરને પર્યટન સ્થળ બનાવાનો જૈન સમુદાયના લોકો વિરોધ કરી રહ્યા છે.
વડોદરામાં જૈન સમુદાય વિરોધમાં આવ્યું રસ્તા પર
રાજકોટ સિવાય વડોદરા ખાતે પણ જૈન સમાજના લોકોએ રેલી કાઢી હતી. શહેરના માંડવી ચાર દરવાજા ખાતેથી આ વિરાટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો જોડાયા હતા. કલેક્ટર કચેરી ખાતે જઈ આવેદનપત્ર પાઠવ્યું હતું. શત્રુંજય મહાતીર્થ તેમજ સમેતશિખર મહાતીર્થ રક્ષાર્થે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
શત્રુંજય મહાતીર્થને બચાવા ઉઠી માગ
આ રેલીમાં અનેક નારાઓ લાગ્યા હતા જેવા કે જબ તક સૂરજ ચાંદ રહેગા શત્રુંજય કા નામ રહેગા. ઉપરાંત જય જય શ્રી આદિનાથના જય ઘોષ પણ લાગ્યા હતા. સામાન્ય રીતે જૈન સમાજને શાંતિ પ્રિય સમાજ માનવામાં આવે છે તો બીજી તરફ આ સમાજ આંદોલનના માર્ગ પર ચાલી રહ્યો છે. જૈન સમાજનું આંદોલન ધીમે ધીમે ગતિ પકડી રહ્યું છે.