સંસદમાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. આજે સત્રનો ચોથો દિવસ છે. પરંતુ આ સત્ર જ્યારથી શરૂ થયું છે ત્યારથી હંગામેદાર રહ્યું છે. 11 વાગ્યે આ કાર્યવાહી શરૂ થઈ હતી પરંતુ સત્ર શરૂ થયું તેના થોડા સમય બાદ જ સંસદની કાર્યવાહી બપોરના બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
લોકસભા તેમજ રાજ્યસભાની કાર્યવાહી કરાઈ સ્થગિત
અદાણી ગ્રુપને લઈ સંસદમાં વિપક્ષ દ્વારા ભારે હંગામો કરવામાં આવ્યો હતો. સત્રના ત્રીજા દિવસે પણ આ મુદ્દાને લઈ હોબાળો થયો હતો તો સત્રના ચોથા દિવસે પણ આ મુદ્દો ચર્ચાનો વિષય રહ્યો હતો. વિપક્ષના સાંસદોએ અદાણી ગ્રુપ મામલે હિંડનબર્ગના રિપોર્ટ પર ચર્ચાની માગ કરવામાં આવી છે.આ મામલે જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી દ્વારા તપાસ કરવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી હતી. જેને લઈ લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી તો તેમજ રાજ્યસભાની કાર્યવાહી 2.30 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.
મલ્લિકાર્જૂન ખડગેએ બોલાવી હતી વિપક્ષી દળોના નેતાઓની બેઠક
તે સિવાય સંસદમાં મોંઘવારી, બેરોજગારી બીબીસી ડોક્યુમેન્ટરી, ભારત-ચીન વિવાદ જેવા બીજા મુદ્દાઓ પણ ઉઠ્યા હતા. સરકારને ઘેરવા મલ્લિકાર્જૂન ખડગે વિપક્ષી દળોની બેઠક પણ કરી હતી. તે ઉપરાંત મલ્લિકાર્જૂન ખડગેએ સરકાર પર નિશાન સાધ્યું હતું. તમામ પક્ષોના નેતાઓએ સાથે મળીને નિર્ણય લીધો છે કે આર્થિક દ્રષ્ટિકોણથી દેશમાં બની રહેલી ઘટનાઓ વિશે ગ્રુહમાં ચર્ચા થવી જોઈએ.