શક્તિપીઠ અંબાજી ખાતે ચાલતો મોહનથાળ પ્રસાદ વિવાદનો અંત તો આવી ગયો. ફરીથી મોહનથાળ પ્રસાદની વહેચણી કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવતા માઈભક્તોમાં આનંદની લાગણી વ્યાપી ઉઠી હતી. અંબાજી મંદિર પ્રસાદને લઈ વિવાદ ચાલી રહ્યો હતો તો બીજી બાજુ પાવાગઢ ટ્રસ્ટ દ્વારા વધેરેલા શ્રીફળ પ્રસાદને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયનો વિરોધ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ દ્વારા કરવામાં આવ્યો હતો. આ નિર્ણયને લઈ વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
શ્રીફળ પ્રસાદ બંધ થતા ભક્તોમાં નારાજગી જોવા મળી
મોહનથાળ પ્રસાદ વિવાદ માંડ માંડ શાંત પડ્યો છે ત્યારે એક નવો વિવાદ ઉભો થઈ ગયો છે. પાવાગઢમાં છોલેલા શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં પાવાગઢ પરિસરમાં છોલેલા શ્રીફળ વધેરવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ નિર્ણયને લઈ માઈભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. મંદિરમાં ફક્ત આખા નાળિયેર જ માતાજીને અર્પણ કરવામાં આવશે. ભક્તોના જણાવ્યા અનુસાર જે ભક્તોએ નાળિયેર વધેરવાની બાધા લીધી હોય તેઓ બાધા પૂરી કરી શકશે નહીં. જેથી ભક્તોની આસ્થાને ઠેસ પહોંચે છે. જો મંદિરમાં શ્રીફળ વધેરવાની વ્યવસ્થા ન હોય તો સાળંગપુર હનુમાન જેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી વાત કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
આ નિર્ણયનો વિરોધ કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સભ્યોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. પ્રસાદ બંધ થવાના નિર્ણયને ઔરંગઝેબનો નિર્ણય ગણાવ્યો હતો. નિવેદનપત્ર આપવા જતી વખતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના વડોદરા મહાનગર ઉપાધ્યક્ષે જણાવ્યું હતું કે ભક્તો અહીં વર્ષોથી માનતા પૂર્ણ થતા શ્રીફળ વધેરવાની બાધા રાખતા હોય છે. ત્યારે શ્રીફળ વધેરવાની પરંપરા યથાવત રહેવી જોઈએ.
આંદોલનની ઉચ્ચારવામાં આવી ચીમકી
જો થોડા સમયમાં જ શ્રીફળ વધેરવા અંગે લેવાયેલા નિર્ણયને પરત નહીં લેવાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ધરણા કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી. જો આ નિર્ણય પાછો નહીં લેવામાં આવે તો ચલો પાવાગઢ આંદોલન કરવામાં આવશે.