જમીનને લઈ યુગો પહેલા મહાભારત ખેલાઈ હતી. જમીનને લઈ વિવાદો હંમેશા જોવા મળતા હોય છે. જમીનને કારણે સગા ભાઈઓ એક બીજાના દુશ્મનો બની જઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા ખેતરની જમીનને લઈ બે દલિત ભાઈની હત્યા કરવામાં આવી હતી. આ વાતને હજી થોડો જ સમય વીત્યો છે ત્યારે ફરી એક વખત જમીનને લઈ યુવાન પર હુમલો કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જાણે હુમલાનું હબ બનતું જાય છે જો તેવું કહીએ તો પણ અતિશયોક્તિ ન ગણાય. 19 વર્ષના યુવાન પર ટોળા દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
તલવાર તેમજ ધારિયાના ઘાવ ઝીંકી કરાયો ઈજાગ્રસ્ત
સમગ્ર કિસ્સાની વાત કરીએ તો પાટડી તાલુકાના વડગામમાં 19 વર્ષના યુવાનની તલવારના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. પોતાનું પેટ ભરવા માટે વડગામ ગામમાં છૂટક મજૂરી કામ કરતા લક્ષ્મણભાઇ ઠાકોરના 19 વર્ષના પુત્ર રાહુલભાઇ ઠાકોરને ગાડીમાં આવેલા બે શખ્સોએ તલવાર અને ધારીયાના ઘા મારીને ઈજાગ્રસ્ત કર્યો. તે બાદ આરોપી ફરાર થઈ ગયા. બાદમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા 19 વર્ષના રાહુલ લક્ષ્મણભાઇ ઠાકોરને લોહિલુહાણ હાલતમાં પ્રાથમિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલે લઇ જવાયો. બાદ વધુ સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલે લઇ જવાયો હતો. જ્યાં ફરજ પરના હાજર તબીબે એને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં દસાડા પીએસઆઇ વી.આઇ.ખડીયા સહિતના પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઇ ફરાર થયેલા આરોપીઓને પકડવની કાર્યવાહી શરૂ કરી છે
ચૂડામાં બે ભાઈઓની કરાઈ હતી હત્યા
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા અનેક દિવસોથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જોવા મળી રહી છે. ચૂડા તાલુકાના સમઢીયાળા ગામે જમીન બાબતે જ બે સગાભાઇઓની ખેતરમાં જ ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જેમાં રાજકોટ રેન્જ આઇજી અશોક યાદવે ચૂડાના બે પીએસઆઇને સસ્પેન્ડ કરવાની સાથે આ કેસમાં સીટની રચના કરી 5 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી આ ઘટનાની શાહી હજી સુકાઇ નથી ત્યાં પાટડી તાલુકાના વડગામ ગામે જમીનની જૂની અદાવત મામલે 19 વર્ષના યુવાનની તલવારના ઘા મારી હત્યાથી આખું ગામ સેહમી ગયું છે
જમીનને કારણે થાય છે વિવાદ
હાલ લોકોની માનસિકતા ખબર નહીં કેવી થઈ રહી છે. દરેક નાની મોટી વાતમાં આવેશમાં આવીને કોઈને પણ મોતને ઘાટ ઉતારી દે છે. બંને કેસમાં કોઈ વસ્તુ એક છે તો તે છે જમીન બધાને વ્હાલીજ હોય છે. પરંતુ પૈસા અને જમીનના મોહમાં કોઈને મારી નાખવા યોગ્ય નથી.