દિવાળી વેકેશન દરમિયાન પોતાની રજાઓ માણવા અને ફરવા માટે લોકો પર્યટક સ્થળોની મુલાકાત લેતા હોય છે. આપણા શહેરમાં કોઈ પણ નવું પર્યટક સ્થળ બન્યું હોય ત્યારે આપણે તેની મુલાકાત લેતા હોઈએ છીએ. ત્યારે મોરબીમાં બેસતા વર્ષના દિવસે ખુલ્લો મૂકાયેલો બ્રિજ અનેક લોકો માટે મોતનો બ્રિજ બની ગયો છે. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અનેક પરિવાર વિખેરાઈ ગયા છે. ત્યારે આવી ઘટના અમદાવાદમાં ન બને તે માટે તંત્રએ અગમચેતી વાપરી છે. અમદાવાદમાં બનેલ અટલ બ્રિજમાં આવી દુર્ઘટના ન બને તે માટે સરકારે ફરમાન કર્યું છે જે અંતર્ગત હવે દર કલાકે માત્ર 3000 લોકોને જ પ્રવેશ આપવામાં આવશે.
મોરબીની ઘટના પરથી સરકારે લીધી શીખ
અમદાવાદમાં બનેલ અટલ બ્રિજ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. અનેક લોકો આ બ્રિજની મુલાકાત લેતા હોય છે. ત્યારે આવી ગોઝારી ઘટના અમદાવાદમાં ન બને તે માટે તંત્રએ અગમચેતી વાપરી છે. થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બ્રિજનું ઉદ્ધાટન કર્યું છે. અટલ બ્રિજ માટે ફરમાન બહાર પાડવામાં આવ્યું છે જે અંતર્ગત દર કલાકે માત્ર 3000 લોકોને જ બ્રિજ પર ફરવાની પરવાનગી આપવામાં આવશે. માહિતી પ્રમાણે આ બ્રિજ પર એકસાથે 12000 લોકો ફરી શકે તેવી ક્ષમતા આ બ્રિજમાં છે. પરંતુ સરકાર કોઈ રિસ્ક નથી લેવા માગતી.
જો તંત્ર સતર્ક થયું હોત તો દુર્ઘટના ન સર્જાઈ હોત
કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સરકારે આ પગલા લીધા તે સારી વાત છે પરંતુ થોડી દરકાર જો મોરબી બ્રિજ માટે રાખી હોત તો આ દુર્ઘટના સર્જાઈ જ ન હોત. આવી અગમચેતી જો આ બ્રિજ માટે વાપરી હોત તો લોકોને રડવાનો વારો ન આવ્યો હોત. ત્યારે સરકારે આ ઘટનામાંથી શીખ લીધી એ સારી વાત છે. અને અમે આશા રાખીએ છીએ કે આવી દુર્ઘટના ક્યાંય પણ ન સર્જાય.