જેમ માણસ માટે પોતાનું નામ મહત્વનું હોય છે તેમ કંપની માટે તેનો લોગો તેની ઓળખ હોય છે. આપણને જો કોઈ કંપનીનો લોગો બતાવીને પૂછે કે શું તમે આ કંપનીના નામ વિશે જાણો છો તો તમે આસાનીથી ઓળખી શકો છો. પરંતુ ટ્વિટરના લોગોને એલોન મસ્ક દ્વારા બદલી દેવામાં આવ્યું છે. ટ્વિટરની કમાન જ્યારથી એલોન મસ્કે સંભાળી છે ત્યારથી ટ્વિટરની પોલીસીમાં, તેના નિયમોમાં એવા ફેરફાર કરવામાં આવી રહ્યા છે જે ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે હવે ટ્વિટરને નવો લોગો મળ્યો છે. ટ્વિટરના લોગોમાં પહેલા ચકલી દેખાતી હતી તેની જગ્યાએ હવે X દેખાશે.
એલોન મસ્ક દ્વારા લેવામાં આવતા નિર્ણય હમેશાં રહ્યા ચર્ચામાં
આપણે નાના હતા ત્યારે કહેતા હતા કે ચકલી ઉડે, તો કહેતા હા ઉડે. ત્યારે ટ્વિટરના લોગોમાં રાખવામાં આવેલી ચકલી ઉડી ગઈ છે. આવી વાત એટલા માટે કહેવામાં આવી રહી છે કારણ કે ટ્વિટરે નવો લોગો લોન્ચ કર્યો છે. નવા નવા પ્રયોગો કરવા એલોન મસ્કને ગમતા લાગે છે કારણ કે જ્યારથી તેમણે ટ્વિટરની કમાન સંભાળી છે ત્યારથી એવા નિર્ણયો લીધા છે જેને કારણે વિવાદો પણ છેડાયા છે. સૌથી પહેલા બ્લોક એકાઉન્ટને ફરી એક્ટિવ કરી દીધા હતા. તે બાદ બ્લૂ ટીકને લઈ નિર્ણય લેવાયો જેમાં પૈસા આપી બ્લુ ટીક ખરીદી શકાશે. એલોન મસ્ક દ્વારા એવા અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા જેને લઈ તેઓ હમેશા હેડલાઈન્સમાં રહેતા હતા.
સત્તાવાર રીતે આજે બદલાયો ટ્વિટરનો લોગો
ટ્વિટરનો લોગો બદલવામાં આવશે તેવી હિન્ટ ગઈકાલથી મળી રહ્યો હતો. લોગોને લઈ દરેક જગ્યાઓ પર ચર્ચાઓ થતી હતી. ત્યારે આજે સત્તાવાર રીતે ટ્વિટરનો લોગો બદલાઈ ગયો છે. ચકલીની બદલીમાં X હવે ટ્વિટનો નવો લોગો હશે. નવો લોગો ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યો છે.