આપણે હમેશા લોકોને કહેતા સાંભળીએ છીએ કે ભાદરવો ભરપૂર.. એટલે કે ભાદરવામાં વરસાદ મન મૂકીને વરસ્તો હોય છે. પરંતુ હવે ભાદરવા મહિનામાં ગરમીનો પારો વધતો જઈ રહ્યો છે. હમણાં ભલે ચોમાસાની સિઝન ચાલી રહી હોય પરંતુ અહેસાસ ઉનાળાનો થઈ રહ્યો છે. રાજ્યમાં ભલે સરેરાશ 100 ટકાથી વધુનો વરસાદ થઈ ચૂક્યો છે પરંતુ ઠંડક નથી થઈ. થોડા દિવસો બાદ વરસાદ વિદાય લઈ લેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે રાજ્યના અનેક શહેરો એવા છે જ્યાંનું તાપમાન સામાન્ય કરતા વધારે નોંધાયું છે.
થોડા દિવસ આવું વાતાવરણ રહેશે યથાવત!
આગામી દિવસોમાં પણ આવું જ વાતાવરણ યથાવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગરમીનું પ્રમાણ સતત વધતું જઈ રહ્યું છે. અમદાવાદમાં આજે વહેલી સવારથી ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. શહેરમાં છેલ્લા અનેક દિવસોથી બપોરે ગરમીનો પણ અહેસાસ થઇ રહ્યો છે. ગરમી વધવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
અનેક શહેરોમાં વધ્યો ગરમીનો પારો
ગુજરાતમાં વરસાદે ભલે વિરામ લીધો છે પરંતુ ગરમીએ માઝા મૂકી છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો સતત વધતો જઈ રહ્યો છે. સામાન્ય દિવસો કરતા પણ હાલ ગરમીનો અહેસાસ વધારે થઈ રહ્યો છે. સોમવારે અનેક શહેરોમાં તાપમાનનો પારો વધ્યો છે. હવામાન વિભાગના આંકડા અનુસાર સોમવારે અમદાવાદ સહિત સાત શહેરોમાં 36 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ હતુ.
ગરમી વધતા લોકો થયા પરેશાન
અમદાવાદ, ભુજ, પાટણ, ડીસા, રાજકોટ, વડોદરા, ભાવનગરમાં 36 ડિગ્રીથી વધારે તાપમાન રહેતા લોકો ગરમીથી પરેશાન થઈ ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અનેક ભાગોમાં તાપમાન ડ્રાય રહેવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ, દમણ, દાદરા નગર હવેલીના તમામ જિલ્લાઓમાં તાપમાન ડ્રાય રહેશે.
અમદાવાદમાં વધ્યું રોગચાળાનું પ્રમાણ
અમદાવાદમાં પણ તાપમાનનો પારો 36 ડિગ્રી આસપાસ નોંધાયું છે. અમદાવાદમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે તેમજ સાંજે વાતાવરણ ગુલાબી હોય છે પરંતુ બપોરે ગરમીનું પ્રમાણ વધારે હોય છે. અમદાવાદમાં બે ઋતુનો અનુભવ એક સાથે થતાં રોગચાળાનો ખતરો પણ વધ્યો છે. રોગચાળો વકરી રહ્યો છે.
અંબાલાલ પટેલે ગરમીને લઈ કરી આ આગાહી
ગરમીને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ કરી છે. તેમની આગાહી અનુસાર પાંચ ઓક્ટોબર સુધી રાજ્યમાં ગરમીનો અહેસાસ થઈ શકે છે. તે ઉપરાંત તેમણે કહ્યું કે નવરાત્રી તેમજ ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન વરસાદ વિધ્ન પાડી શકે છે. સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ફરી એક વખત વરસાદની મોસમ જામશે. નવરાત્રીમાં વરસાદની આગાહી થતા ખેલૈયાઓ નિરાશ થયા છે તે ઉપરાંત મેચ રસિકો પણ નિરાશ થયા છે.